૧૪ વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર હેવાનને ૨૦ વર્ષની સજા
આરોપીએ એકલતાનો લાભ લઇ સગીરાને હવસનો શિકાર બનાવી ‘તી ગર્ભવતી થતાં ફૂટ્યો ‘ તો ભાંડો
મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં સગીરાની એકલતાનો લાભ લઈ આરોપીએ હવસ સંતોષી હતી. જે બાદ ભોગ બનનાર ગર્ભવતી થતા મામલો સામે આવ્યો હતો. જે કેસમાં અદાલતે ડીકેશ હોરી નામના આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારી છે.
કેસની હકીકત મુજબ, લોધીકા તાલુકામાં આવતા મેટોડા જીઆઈડીસીમાં ભોગ બનનાર દિકરી પરિવાર સાથે રહેતી હતી બનાવના દિવસે રાત્રે સગીરાની માતા તથા કુટુંબીજનો બહારગામ ગયેલ હોય અને આરોપી ડીકેશકુમારે ભોગ બનનારનો એકલતાનો લાભ લઈ બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધેલ અને બનાવની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હતી.ત્યારબાદ સગીરાનું પેટ મોટુ થતા તેની માતા દીકરીને દવાખાને લઈ ગયેલ ત્યારે ડોકટરે ગર્ભવતી હોવાનું જણાવેલ હતું. જેથી આરોપી સામે લોધીકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કેસ ચાલવા પર આવતા સરકાર તરફે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કોર્ટમાં દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.તેમજ કોર્ટના રેકર્ડ પર આવેલી ભોગ બનનાર અને ફરિયાદીની જુબાની તેમજ વકીલની દલીલોને ધ્યાને લઈને ગોંડલ સેશન્સ જજ એમ.એ. ભટ્ટીએ આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારી હતી.આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયેલ હતા.