15 હજારમાં એકાઉન્ટ ભાડે આપનાર પાંચ પકડાયા
મોરબી રોડ પર રહેતાં બેંક કર્મીને ટાસ્ક પુરા કરવાની લાલચ આપી ગઠિયાએ 50.89 લાખ પડાવી અલગ-અલગ ખાતામાં જમા કર્યા’તા: સાયબર ક્રાઇમની ટીમે બેંક એકાઉન્ટ ભાડે આપનાર ધોરાજી, જૂનાગઢ અને રાજકોટના ત્રણ સહિત પાંચને દબોચ્યા
રાજકોટમાં મોરબી રોડ પર રહેતાં બેંક કર્મીને ટેલિગ્રામમાં ટાસ્ક પુરા કરવાની લાલચ આપી પૈસા કમાવવાની લાલચ આપીને ગઠિયાએ 50.89 લાખની છેતરપિંડી કરી હતી.આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ઘરી મહિને 15 હજાર રૂપિયાના કમિશનની લાલચમાં એકાઉન્ટ ભાડે આપનાર પાંચ આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વિગત મુજબ રાજકોટમાં મોરબી રોડ પર રાજ લક્ષ્મી એવેન્યુ શેરી ન.૨માં રહેતાં અને કાલાવડ રોડ પર આવેલ કોટક બેન્કમાં કામ કરતા જયમીન ચમનભાઈ પરસાણા (ઉ.વ.૩૦)ને સાઈડ ઇન્કમ ઉભી કરવાની લાલચ આપીને ગઠિયાએ મેસેજ કરી ટેલિગ્રામમાં ટાસ્ક આપ્યા હતા.અને પ્રથમ નાની-નાની રકમનું વળતર આપતા યુવકને વિશ્વાસ આવતા તેને 50.89 લાખનું રોકાણ કરી નાખ્યું હતું.પરંતુ આ રકમ પરત લેવા માટે ગઠિયાએ વધુ રૂપિયાની માંગણી કરતા તેને પોતાની સાથે ફ્રોડ થયાનું માલુમ પડતા સાયબર પોલીસમાં ફરિયાદ કરતા પીઆઇ આર.જી.પઢીયાર અને તેની ટિમ દ્વારા તપાસ હાથ ધરી હતી.
જ્યારે આ ગુના ફ્રોડના પૈસા એકાઉન્ટ હોલ્ડર ધવલ દિનેશભાઈ મુછડીયા(ઉ.વ ૨૨ રહે.જુનાગઢ), અરવિંદ લઘરા સોલંકી(ઉ.વ ૩૭ રહે.માંડાડુંગર,રાજકોટ), સાહીલ ફિરોઝભાઈ કોચલીયા(ઉ.વ ૩૧ રહે.હનુમાન મઢી,રાજકોટ) અરમાન રતમભાઈ શેખ(ઉ.વ ૨૨ રહે.રાજકોટ) ,જાવિદ કાદરભાઇ બિડીવાલા(ઉ.વ ૪૧, ધોરાજી)માં જમા થયાનું ખુલતા પોલીસે તેઓની ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે,ઝડપાયેલા આરોપીઓમાં રાજકોટનો અરમાન ઓનલાઈન ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ભાડે મેળવવા માટેની શોધ કરતો હતો.બાદમાં મહિને 15 હજાર કમિશનની લાલચ આપી એકાઉન્ટ ભાડે લેતો હતો.જયારે આ સિવાયના ચારેય આરોપી ધવલ,અરવિંદ,સાહિલ અને જાવીદે કમિશનની લાલચમાં પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતાં.