અફીણનું વાવેતર કરનાર ખેડૂતને 10 વર્ષની જેલ
જસદણના કોઠી ગામે દરોડો પાડી પોલીસે 522 કિલોગ્રામ અફીણનો જથ્થો જપ્ત કર્યો ‘તો
રાજકોટ જિલ્લાના કોઠી ગામે આવેલી વાડીએ પોલીસે દરોડો પાડીને અફીણના ૫૨૨ કિલો ગ્રામના જથ્થા સાથે ખેડૂત દેહા મનજીભાઈ સાસકીયાની ધરપકડ કરી હતી.આ કેસમાં સંડોવાયેલા આરોપીને અદાલતે ૧૦ વર્ષની કેદની સજા તેમજ રૂ.૧ લાખનો દંડ ફટકાર્યો હતો.
કેસની હકીકત મુજબ, ગત તારીખ ૧૫/૦૨/૨૦૧૯ના રાજકોટ એસ.ઓ.જી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે કોઠી ગામના સીમ વિસ્તારમાં દરોડો પાડીને દેહા મનજી સાસકીયાની વાડીમાં અફીણનું વાવેતર મળી આવ્યું હતું.જે બાદ તેનું એફ.એસ.એલ.રિપોર્ટ કરી વજન કરતા આ જથ્થાનો કુલ ૫૨૨ કિલોગ્રામ વજન થયેલો હતો.પોલીસે આરોપી ખેડૂતને ધરપકડ કરી તપાસ પૂર્ણ થતાં તેના વિરદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આ કેસ ચાલવા પર આવતા આરોપી તરફે બચવા લેવામાં આવ્યો હતો કે, પોલીસ પેપર્સમાં આરોપીનું વર્ણન તેમજ ખેડૂત ખાતા અંગેની વિગતો જણાવવામાં આવી નથી. સરકાર તરફે સરકારી વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, રેવન્યુ રેકર્ડમાં જે પેપર્સ રજૂ કરવામાં આવેલા તેમાં આરોપીના કુટુંબીઓના જ નામ છે.તેથી આ ખેતર આરોપીના જ કબ્જા ભોગવટા અને માલિકીના હોવાનું સાબીત થાય છે. બંને પક્ષોની વિગતવાર દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લઈને સેશન્સ જજ વી.બી. ગોહિલે આરોપી દેહા મનજીભાઈ સાસકીયાને ૧૦ વર્ષની સજા અને રૂ.૧ લાખનો દંડ ફટકાર્યો હતો.આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એસ.કે.વોરા રોકાયેલ હતા.