૩.૧૯ લાખનો વાયર ચોરીને વેપારીને ૫૦,૦૦૦માં વેચ્યો, તેણે ૭૦,૦૦૦માં બીજાને વેચી નાખ્યો !
તિરુપતિનગરના ગોડાઉનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: કુખ્યાત તસ્કર ત્રિપૂટીને દબોચી સળગાવી નાખેલો વાયરનો જથ્થો કબજે કરતી એલસીબી ઝોન-૨
શહેરના હનુમાન મઢી ચોક પાસે તિરુપતિનગરના ગોડાઉનમાંથી ૩,૧૯,૨૩૮ રૂપિયાની કિંમતની વાયરચોરીનો ભેદ ઝોન-૨ એલસીબીએ ઉકેલી નાખી કુખ્યાત તસ્કર ત્રિપૂટીને દબોચી લીધી છે. આ ત્રિપૂટીએ ૩.૧૯ લાખની કિંમતનો વાયર ચોરીને ગોંડલ રોડ પર એક વેપારીને ૫૦,૦૦૦માં વેચી નાખ્યો હતો. આ વેપારીએ તે જ વાયર ૭૦,૦૦૦માં ભક્તિનગરના એક વેપારીને વેચી નાખતાં પોલીસે મુળ સુધી પહોંચી જઈને તસ્કર ત્રિપૂટીને પકડવાની સાથે જ સળગાવી નખાયેલો વાયરનો જથ્થા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઝોન-૨ એલસીબી પીએસઆઈ આર.એચ.ઝાલાના માર્ગદર્શન હેઠળ રાહુલ ગોહેલ, જયપાલસિંહ સરવૈયા, જેન્તીગીરી ગોસ્વામી, મનિષ સોઢિયા સહિતની ટીમે લોહાનગર મફતિયાપરામાં રહેતાં શની શંકરભાઈ વરગોડીયા, જીતેશ રમેશભાઈ પાટડીયા અને મનસુખ ઉર્ફે દીકુ હરિભાઈ પરમારને સળગાવી નાખેલા તાંબાના ઈલેક્ટ્રિક વાયરના બંડલ કે જેની કિંમત ૧.૫૭ લાખ રૂપિયા થવા જાય છે તે મળી ૨,૨૮,૪૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
આ ત્રણેયે મળીને તિરુપતિનગર મેઈન રોડ પર જૂની પોસ્ટ ઓફિસની બાજુમાંથી ઈલેક્ટ્રિક વાયરના ગોડાઉનમાંથી ઈલે.વાયરના બંડલની ચોરી કરી હતી. ચોરીને અંજામ આપ્યા બાદ ત્રણેયે તેને સળગાવી નાખી તાંબાના વાયરના ગુછાને સૌથી પહેલાં ગોંડલ રોડ પર આવેલા મીલન નામના વેપારીને ૫૦,૦૦૦માં વેચ્યા હતા. આ પછી મીલને ભક્તિનગરમાં આવેલા મુબીન નામના વેપારીને ૭૦,૦૦૦માં વેચ્યા હતા. પકડાયેલી ત્રિપૂટી સામે ચોરી સહિતના અનેક ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું છે.