હાઈ-વે પર અદાણીના ટેન્કરમાંથી તેલચોરીનું જબરદસ્ત કૌભાંડ
ધ્રાંગધ્રા-માલવણ હાઈ-વે પર CID ક્રાઈમનો દરોડો: રાજકોટના ત્રણ સહિત ૧૩ શખ્સો સોયાબીન, એરંડીયુ તેમજ પામોલીન તેલની કરી રહ્યા હતા ચોરી
કચ્છ, મુન્દ્રા સહિતના સ્થળેથી ટેન્કરમાં તેલ ભરાઈને આવે તેના ડ્રાઈવર સાથે સાંઠગાંઠ રચી ચોરીને આપતા હતા અંજામ
તેલ સહિતનો ૧.૫૭ કરોડનો મુદ્દામાલ સાથે પાંચની ધરપકડ, ત્રણ ફરાર
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આવેલા હાઈ-વે ઉપર છેલ્લા ઘણા સમયથી ડીઝલ-પેટ્રોલ સહિતની ચોરીના કિસ્સા તો પ્રકાશમાં આવી જ રહ્યા હતા ત્યારે હવે તેલચોરીનું એક જબદરસ્ત કૌભાંડ સીઆઈડી ક્રાઈમ-રાજકોટે પકડી પાડ્યું છે. ધ્રાંગધ્રા-માલવણ હાઈ-વે પર ચાલી રહેલા આ કૌભાંડ પર સીઆઈડી ક્રાઈમે દરોડો પાડી પાંચ શખ્સોને ૧.૫૭ કરોડના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.
આ અંગે વધુમાં જાણવા મળેલી વિગતો પ્રમાણે ધ્રાંગધ્રા-માલવણ હાઈ-વે ઉપર પીપળી ગામના પાટિયા પાસેથી પસાર થતાં હાઈ-વે ઉપર રામદેવ હોટેલ આવેલી છે તેની પાછળના ભાગે પતરાના શેડમાં તેમજ તેની બાજુમાં આવેલી ખુલ્લા પાર્કિંગવાળી જગ્યામાં આ કારસ્તાન ચાલી રહ્યું હતું. આ કૌભાંડને રાજકોટનો મનિષ પટેલ નામનો શખ્સ પાર પાડી રહ્યાની વિગતો પણ સામે આવી છે. આ ટોળકી દ્વારા એરંડીયાનું તેલ, સોયાબીન તેલ અને પામોલીન તેલ ચોરી કરી લેવામાં આવતું હતું અને તેના ખોટા બિલ બનાવી અમદાવાદ સહિતના શહેરોમાં વેચી મારવામાં આવતું હતું.
મનિષ પટેલ (રાજકોટ) તેમજ તેના સાગ્રીતો વાય.બી.જાડેજા (યુવરાજસિંહ), અજમલકુમાર બાજુજી કોલી (રહે.પીપળી-સુરેન્દ્રનગર), રાજકોટના દેવપરા મેઈન રોડ પર નીલમ પાર્કમાં `ખ્વાજા એપાર્ટમેન્ટ’માં રહેતો મહેબૂબ બાબુભાઈ સુમરા, પીપળીનો નરપત રાજાજી ઠાકોર, પ્રવીણ બાજુજી કોલી, અજમેરનો ગજરાજસિંગ બીરમસિંગ રાવત, રાજકોટનો રઝાક, ગાંધીધામનો સુરેશ રામગોપાલ, રાજકોટનો વિશાલ અને મોરબીનો નરેન્દ્રસિંહ બાપાલાલ જાડેજા મળીને કચ્છ તેમજ મુન્દ્રા સહિતના સ્થળેથી ટેન્કરમાં તેલ ભરીને આવતા ટેન્કર ચાલકોને ઉપરોક્ત જગ્યાએ ઉભા રાખતા હતા અને તેમની અમુક રકમ આપીને ટેન્કરમાંથી તેલ ચોરી કરી લેતા હતા.
સીઆઈડી ક્રાઈમે દરોડો પાડ્યો ત્યારે ટેન્કરમાંથી તેલ ચોરીનું કૌભાંડ ચાલી જ રહ્યું હતું. જો કે દરોડા વખતે અજમલકુમાર કોલી, હાથમાં આવી જતાં તેની પૂછપરછ શરૂ કરાઈ હતી. તેણે કહ્યું કે આ જગ્યાએ મનિષ પટેલ, વાય.બી.જાડેજા (યુવરાજસિંહ) કે જે મોરબીનો છે તે અને સુરેશ રામગોપાલ, રઝાક સહિતના શખ્સો આ તેલ કાઢવાનો ધંધો કરી રહ્યા છે. કેટલું તેલ નીકળ્યું તેનો હિસાબ નરેન્દ્રસિંહ બાપાલાલ જાડેજા (રહે.મોરબી) રાખી રહ્યો હતો. તેલ નીકળી જાય એટલે કેરબા તેમજ બેરલમાં ભરી મનિષ પટેલ દ્વારા છોટા હાથી મોકલી આપતા જેના ડ્રાઈવર તરીકે રાજકોટનો મહેબૂબ જતો હતો. મહેબૂબને સુરેશ નામની વ્યક્તિ બિલ મોકલી આપતી અને તે બિલનું પ્રિન્ટ મહેબુબ રામદેવ હોટેલમાં કઢાવી છોટા હાથીમાં ભરેલો માલ અમદાવાદ તરફ પહોંચાડી દેતો હતો.
પોલીસે સ્થળ પરથી અજમલ કોલી, રાજકોટના મહેબૂબ સુમરા, પાટડીના નરપત રાજાજી ઠાકોર, પ્રવીણ બાજુજી કોલી અને ગજરાજસિંગ બિરમસિંગ રાવતને પકડી પાડ્યા હતા. જ્યારે સૂત્રધાર મનિષ પટેલ, વાય.બી.જાડેજા સહિતના ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.
કેવી રીતે થઈ રહી હતી ચોરી
અદાણી વીલમાર લિમિટેડ-મુન્દ્રા કચ્છ દ્વારા દરરોજ મોટી સંખ્યામાં ટેન્કરમાં અલગ-અલગ પ્રકારનું તેલ ભરીને હજીરા-સુરત ખાતે મોકલવામાં આવતું હોવાથી રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં રહેતાં શખ્સોની ટોળકીની દાનત બગડી હતી અને તેમણે આમાંથી ચોરી કરી ગજવા ભરવાનું શરૂ કર્યું હતું. આ માટે ટોળકી દ્વારા ટેન્કરના ડ્રાઈવરોને `ફોડી’ લેવામાં આવ્યા હતા મતલબ કે ડ્રાઈવરોને અમુક રકમ આપી દેવામાં આવતી હતી. બદલામાં ડ્રાઈવરો ટેન્કરની સીલ નબળું બંધ કરી દેતા હતા જેથી આ શખ્સો આસાનીથી તેને ખોલી તેમાંથી તેલ કાઢી લઈને કેરબા તેમજ બેરલમાં ભરી લેતા હતા. પોલીસના હાથમાં અદાણી વીલમાર લિમિટેડ મુન્દ્રા-કચ્છના અનેક ઈનવોઈસ બિલ પણ લાગ્યા હતા.