સ્ટેટ મોનીટરીંગ સેલે અને અમદાવાદ પીસીબીના બે દરોડા: 1 કરોડનો મુદ્દામાલ કબજે
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટના બુટલેટરોએ 31 ડિસેમ્બર માટે મંગાવેલો રૂ. 66.78 લાખનો વિદેશી દારૂ ભરેલા બે ટેન્કર સ્ટેટ મોનીટરીંગ સેલે અને અમદાવાદ પીસીબીએ ઝડપી લઈ રૂ. 1 કરોડથી વધુનો મુદ્દમાલ કબજે કર્યો હતો. એક્સપ્રેસ હાઈવે પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલે રૂ.41.78 લાખના વિદેશી દારૂ ભરેલું ગેસની ટેન્કર પકડી પડયું હતું. ગેસના ટેન્કરમાં બનાવેલા ખાસ ખાનામાં છુપાવેલો રૂપિયા 11268 બોટલ વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેમાં રાજકોટના બુટલેગરે અગાઉ દારૂનો જથ્થો મંગવ્યા બાદ આ બીજી ટ્રીપ હોવાનું દારૂ સાથે પકડાયેલ ચાલકે જણાવ્યું હતું. જ્યારે અમદાવાદ પીસીબીએ બાવળા રાજકોટ હાઇવે પર એસિડના ટેન્કરમાં બનાવેલા ખાસ ખાનામાં છુપાવેલો રૂપિયા ૨૫ લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ડ્રાઇવરની પ્રાથમિક પુછપરછમાં આ જથ્થો પણ રાજકોટના બુટલેગરે મંગાવ્યાનું જણાવતા પોલીસે આ બંને મામલે વધુ તપાસ શરૂ કરી છે. બંને દરોડામાં 1 કરોડથી વધુનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પ્રથમ દરોડો સ્ટેટ મોનીટરીંગ સેલે પડયો હતો જેમાં અમદાવાદ સરદાર પટેલ રિંગ રોડ ઉપર થી NL-01-L-4977 નંબરના ગેસના ટેન્કરને અટકાવી તલાશી લેતા તેમાંથી રૂ.41.78 લાખની કિમતની 11268 બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાનના ભૂપત હેમરાજ મેઘવારની ધરપકડ કરી રૂ.66.85 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. પૂછપરછમાં આ દારૂનો જથ્થો 31 ડિસેમ્બર માટે રાજકોટના બુટલેગરે મંગાવ્યો હતો. રાજકોટના બુટલેગરે અગાઉ પણ એક વખત દારૂનો જથ્થો મંગાવ્યો હતો આ બીજી ટ્રીપ હતી જે જથ્થો રાજકોટ પહોંચે તે પૂર્વેજ પકડાઈ ગયો હતો.

બીજા દરોડામાં અમદાવાદ શહેરમાંથી રાજકોટ તરફ વિદેશી દારૂ ભરેલું ટેન્કર પસાર થવાનું હોવાની માહિતીને આધારે બાવળા નજીકથી અમદાવાદ પીસીબીએ વોચ ગોઠવી હતી અને એસિડના ટેન્કરમાં બનાવેલા ખાસ ખાનામાં છુપાવેલો રૂપિયા ૨૫ લાખની કિંમતની ૫૬૦૦ જેટલી વિદેશી દારૂની બોટલો મોટો જથ્થો મળી આવ્યો હતો. ડ્રાઈવર ઉદેપુર ચાંદમલ સવજી લાલજી મીણાની પ્રાથમિક પુછપરછમાં દારૂનો જથ્થો લઇને રાજકોટ તરફ જઇ રહ્યો હતો. 31 ડિસેમ્બર માટે આ દારૂનો મોટો જથ્થો છુપાવી લઈ જવાતો હતો.