મારવાડી યુનિર્વસીટીના સંચાલકો, ટ્રસ્ટી અને પ્રિન્સીપલને ગાંજા પ્રકરણમાં આરોપી બનાવો: રાજદીપસિંહ જાડેજા
મારવાડી યુનિવર્સિટીમાં મળેલા ગાંજાના છોડ બાબતે આખરે ત્રણ મહિના બાદ એફએસએલનો રિપોર્ટ આવતા કુવાડવા પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હોય જેમાં પોલીસ તથસ્થ તપાસ કરી તાત્કાલિક જવાબદારની ધરપકડ કરે તેવી ગુજરાત પ્રદેશ કોગ્રેસ મંત્રી રાજદીપસિંહ જાડેજાએ પોલીસ કમિશનરને રજૂઆત કરી આ પ્રકરણમાં મારવાડી યુનિર્વસીટીના સતાધીશો સંચાલકો અને ટ્રસ્ટી અને પ્રિન્સીપલ વિગેરેની આરોપી તરીકે ફરીયાદમાં ઉમેરો કરી તેઓની ધ૨પકડ ક૨વા માંગ કરી છે.જો આ કેસમાં તટસ્થ તપાસ કરવામાં નહી આવે તો તમામ જવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ ગુજરાત હાઈકોર્ટમાં બેદરકારી તેમજ આરોપીને જોડવા અંગેની કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ મારવાડી યુનિર્વસીટી કેમ્પસમાં પાસ પરમીટ કે આધાર કે લાઈસન્સ વગરનું ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજા (કેનાબીસ) ના છોડનું વાવેતર મળી આવેલ તેમ છતા તપાસનીસ અધિકારીએ જે તે સમયે કોઈ ફરીયાદ કરેલ ન હતી. તપાસ કરનાર અધિકારીફ તથા ડી.સી.પી. એ બનાવના સમયથી જ આરોપીને બચાવતા હોય તેવી કાર્યવાહી કરેલ અને ગુનો દાખલ કરેલ નહી અને ઉડાવ જવાબો આપી એવુ જણાવેલ કે એફ.એસ.એલ. ના રીપોર્ટની રાહ જુઓ ત્યારબાદ ફરીયાદ લેશું. સામાન્ય સંજોગોમાં રાજકોટ પોલીસે ગાંજા જેવા ગંભીર નાર્કોટીકસના કિસ્સામાં એવી રીતથી ફરીયાદ કરેલ છે કે મળેલ પદાર્થ સુધી જોતા ગાંજા જેવી સ્મેલ આવેલ છે જેથી ગાંજો હોય અને આ પ્રકારે ગુનો નોંધી એન.ડી.પી.એસ. ના ગુનો નોંધેલ છે અને ત્યારબાદ એફ.એસ.એલ.નો રીપોર્ટ ચાર્જશીટ પછી પણ આવેલ છે આજોતા ઉપરોકત ગુનામાં સ્પષ્ટપણે જણાઈ આવે છે કે તપાસ કરનાર અધિકારી તથા ડી.સી.પી. વિગેરેએ ભેગા મળી આરોપીઓને બચાવવા માટે પ્રી-પ્લાન રચી આરોપીઓને બચાવેલ છે તેવુ સ્પષ્ટ પણે જણાઈ આવે છે. ગાંજો મળી આવેલ તે જગ્યા ને યેનકેન પ્રકારે પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરેલ હોય તેવુ પણ જાણવા મળ્યું છે.
મારવાડી યુનિર્વસીટીમાં દેશ તથા વિદેશથી આશરે ૧૦,૦૦૦થી વધુ વિધાર્થી અભ્યાસ કરે છે અને તેમના કેમ્પસમાં ૨૦૦૦ થી વધુ વિધાર્થી હોસ્ટેલમાં રહે છે ત્યારે વિધાર્થીના ભવિષ્યનો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય અને તેઓ ડ્રગ્સ એડીકટ બને તેવી કાર્યવાહી થઈ રહી હોય તેવુ જણાય આવે છે.
આ હકીકત ઘ્યાને લેવામાં આવે તો મારવાડી યુનિર્વસીટીના સંચાલકો તથા ટ્રસ્ટીઓ તેના માલીક છે બનાવ વાળી જગ્યા તેમના કબજા ભોગવટા વાળી છે અને તેમના કબજામાં રહેલ જગ્યામાં ગુનાહીત પ્રવૃતિ ન થાય તેવી તમામ તકેદારી રાખવાની કામગીરી તથા ફરજ મારવાડી યુનિર્વસીટીના સંચાલકો સતાધીશો અને ટ્રસ્ટીઓની હોય તેમના નામ ફરિયાદમાં ઉમેરવા માંગ કરી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વારંવાર નશીલા પદાર્થના ગુના તાત્કાલીક નોંધી અને આગળની કાર્યવાહી કરવી તેમ જણાવે છે કે છતા પોલીસ અધિકારી જાણીને આરોપીઓને છાવરી રહી હોવાનો અક્ષેપ કરવામાં આવ્યો છે.