ધોરાજીમાં જામનગરના વેપારીની જમીન પચાવી પાડનાર બે સામે ગુનો નોંધાયો
જામનગરના વેપારીની ધોરાજીના ઉમરકોટ ગામે આવેલી જમીન પર ગામના બે શખસો દ્વાર કબજો કરી લેવામાં આવ્યો હતો. જે મામલે તેઓએ કલેકટરને કરેલી અરજી બાદ ધોરાજી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. વધુ માહિતી મુજબ જામનગરમાં રહેતા વેપારી રફીકભાઈ હુશેનભાઈ ઈરાનીએ ધોરાજી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામના ઈકબાલ ઉમર ખેરાણી અને તેના ભાઈ અહેમદ ઉર્ફે બશીર ખેરાણીનું નામ આપતા જણાવ્યું હતું કે, તેમની ધોરાજીના ઉમરકોટ ગામે સર્વે નં. 37-1, ખાતા નં. 254 મુજબ જમીન આવેલી હોય આ જમીન ઉપર ઉમરકોટ ગામના ઈકબાલ ખેરાણી અને તેના ભાઈ અહેમદ ખેરાણીએ છેલ્લા ઘણા સમયથી કબ્જો કર્યો હતો.જેથી વેપારીએ જમીન પચાવી પાડનાર બન્ને ભાઈઓ સામે રાજકોટ કલેક્ટરમાં લેન્ડગ્રેબીંગ હેઠળ અરજી કરતાં ધોરાજી પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.