દેશના વિકાસ દર અંગે શું આવ્યો અહેવાલ ? જુઓ
દેશ અને વિદેશમાંથી મોટાભાગની રેટિંગ એજન્સીઓ ભારતના વિકાસ વિષે હકારાત્મક આગાહીઓ થઈ રહી છે. ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચએ પણ માર્ચ ક્વાર્ટરમાં દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ દર 6.2 ટકા અને નાણાકીય વર્ષ 2023-24માં 6.9 થી 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. રેટિંગ એજન્સીના મુખ્ય અર્થશાસ્ત્રી સુનીલ કુમાર સિન્હાએ આ અંદાજ વ્યક્ત કર્યો છે.
સરકાર ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ 2024) અને નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપી વૃદ્ધિનો પ્રારંભિક અંદાજ 31 મેના રોજ જાહેર કરશે. ભારતીય અર્થતંત્ર 2023-24ના જૂન ક્વાર્ટરમાં 8.2 ટકા, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8.1 ટકા અને ડિસેમ્બર ક્વાર્ટરમાં 8.4 ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે.
“અમે ચોથા ક્વાર્ટરનો વિકાસ દર 6.2 ટકા રહેવાની અપેક્ષા રાખીએ છીએ અને નાણાકીય વર્ષ 2023-24 માટે એકંદર જીડીપી વૃદ્ધિ દર 6.9 થી 7 ટકાની આસપાસ રહેશે,” સિંહાએ પીટીઆઈ-વિડિયોને એક મુલાકાતમાં આ મુજબ જણાવ્યું.
તેમણે જણાવ્યું હતું કે પ્રથમ બે ક્વાર્ટરમાં વૃદ્ધિ દરને નીચા આધારથી ફાયદો થયો હતો, જોકે ત્રીજા (ઓક્ટોબર-ડિસેમ્બર 2023) ક્વાર્ટરમાં 8.4 ટકા વૃદ્ધિ દર “આશ્ચર્યજનક” હતો.