સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈ પર, BSEનું માર્કેટ કેપ 400 લાખ કરોડને પાર
શેરબજારમાં લાંબા સમયથી ચાલી રહેલી ઐતિહાસિક તેજી હજુ યથાવત છે. કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો અને બજાર ખુલતાની સાથે જ BSE સેન્સેક્સ અને નિફ્ટીએ નવો રેકોર્ડ હાઈ બનાવ્યો હતો. આ સાથે BSEનું Mcap પ્રથમ વખત રૂ. 400 લાખ કરોડને પાર કરી ગયું હતું.
ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી હતી. આજે સેન્સેક્સ ૪૯૪ પોઈન્ટ ઉછળીને ૭૪૭૪૨ પહોચી ગયો હતો. નિફ્ટી પણ ૧૫૨ પોઈન્ટ ઉછળીને ૨૨૬૬૬ ઉપર પહોચ્યો હતો.
વિશ્વ બજારના મિશ્ર વલણ છતાં સ્થાનિક સ્તરે રિલાયન્સ, એક્સિસ બૅન્ક અને ઇન્ફોસિસના આગેવાનીએ ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળતાં ખુલતા સત્રમાં બંને બેન્ચ માર્કે નવા ઓલટાઈમ હાઈ શિખર રચ્યા હતા.
બજાર ખૂલતાંની સાથે જ સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ વધીને 74,658 પોઈન્ટ પર પહોંચ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી પણ 100 પોઈન્ટથી વધુ ઉછળીને 22,623 પોઈન્ટ પર પહોંચ્યો હતો.
અગાઉ ગયા સપ્તાહ દરમિયાન પણ બંને મુખ્ય સૂચકાંકો નવા શિખરોને સ્પર્શ્યા હતા. છેલ્લા એક વર્ષમાં સ્થાનિક બજારમાં 25 થી 30 ટકાની રેન્જમાં વૃદ્ધિ થઈ છે.