તાતા ઉપર વિશ્વાસનો વરસાદ : IPOમાં 1,50,000 કરોડ ઠલવાયા
3042 કરોડનો ઇસ્યુ 50 ગણાથી વધુ 4:39 PM 11/24/2023ભરાઇ ગયો
અરજીની સંખ્યામાં એલઆઇસીનો રેકોર્ડ પણ તુટ્યો
ટાટા કંપની ઉપર રોકાણકારોનો વિશ્વાસ કેટલો છે તે તેના IPOના ભરણા ઉપરથી ખ્યાલ આવે છે. લાંબા સમય પછી ભંડોળ માટે માર્કેટમાં આવેલી ટાટા ગ્રુપની કંપની ટાટા ટેકનોલોજીના ઇસ્યુમાં ઇતિહાસ રચાયો છે કારણ કે આ આઈ.પી.ઓ.માં દોઢ લાખ કરોડ રૂપિયા જેટલું રોકાણ આવ્યું છે. આજની સ્થિતિએ આ આઈપીઓ ૫૦ ગણાથી વધુ છલકાયો છે અને ઇસ્યુ ક્લોઝ થયો ત્યારે અરજીની સંખ્યાની દ્રષ્ટિએ પણ નવો રેકોર્ડ સર્જાયો છે.
ટાટા ટેકનોલોજીનો આઇપીઓ ગત 22મીએ ખુલ્યો હતો અને આજે બંધ થયો હતો. ઇસ્યુ જાહેર થતાની સાથે જ ઇન્વેસ્ટરોમાં જબરુ આકર્ષણ હતું અને રોકાણ કરવા માટે ઇન્વેસ્ટરો દ્વારા આગોતરી વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. પ્રથમ દિવસની પ્રથમ કલાકમાં જ આઇપીઓ છલકાઇ ગયો હતો અને ત્યારે જ રેકોર્ડબ્રેક ભરણું થવાની અટકણો વ્યકત થવા લાગી હતી.
આજે છેલ્લા દિવસે કંપનીનો આઇપીઓ ૫૦ ગણાથી વધુ છલકાઇ ગયો હતો. કંપનીએ આઇપીઓ મારફત 3042 કરોડનું ભંડોળ એકઠું કરવાની જાહેરાત કરી હતી અને તેની સામે ઇન્વેસ્ટરોએ 1.50 લાખ કરોડથી વધુના નાણાં ઠાલવી દીધા છે. સંસ્થાકીય કેટેગરીમાં ઇસ્યુ 134 ગણો છલકાયો હતો. જ્યારે હાઇનેટવર્થ (એચએનઆઇ) શ્રેણીમાં 55 ગણાથી વધુ છલકાયો હતો. 10 લાખ કરતાં વધુની રકમની કેટેગરીમાં 62 ગણો તથા 2 થી 10 લાખની અરજીની કેટેગરીમાં 41 ગણો ભરાયો હતો.
રીટેઇલ કેટેગરીમાં પણ ઇન્વેસ્ટરોએ જંગી માત્રામાં અરજી કરી હોય તેમ 15 ગણા કરતા વધુ છલકાયો હતો. કર્મચારી ક્વોટામાં 3 ગણો તથા શેરહોલ્ડર કેટેગરીમાં 27 ગણા કરતા વધુ છલકાયો હતો.
પ્રાયમરી માર્કેટના સુત્રોના જણાવ્યા અનુસાર, કુલ એપ્લીકેશન સંખ્યાની દ્રષ્ટિએ પણ રેકોર્ડ થયો છે. આજે અરજીની કુલ સંખ્યા 68 લાખ પહોચી હતી.
આઇપીઓમાં અરજી સંખ્યાના રેકોર્ડ ચકાસવામાં આવે એલઆઇસીના ભરણામાં 73.38 લાખ અરજીઓ થઇ હતી. ટાટા ટેકનોલોજીમાં આ રેકોર્ડ તૂટે છે કે કેમ તેના પર મીટ માંડવામાં આવી હતી. આ સિવાય મોટી એપ્લીકેશન મેળવનાર કંપનીઓમાં રીલાયન્સ પાવરમાં 48 લાખ અરજી થઇ હતી.
રસપ્રદ વાત એ છે કે, ચાલુ સપ્તાહમાં કુલ પાંચ આઇપીઓ ખુલ્યા હતા. અન્ય આઇપીઓને પણ ઇન્વેસ્ટરોમાંથી સારો રીસ્પોન્સ મળ્યો હતો અને તમામમાં 30 લાખથી વધુ એપ્લીકેશનો થઇ હોવાની શેરબજારમાં ચર્ચા છે.
