જીઓ ફાયનાન્સિયલનાં શેરોમાં સતત ત્રીજા દિવસે નીચલી સર્કિટ, રોકાણકારોના 23,000 કરોડ ડૂબ્યા
મુકેશ અંબાણીની જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસનો શેર બુધવારે ફરીથી 5% ઘટ્યો હતો. આ સાથે શેરમાં લો સર્કિટ લાગી હતી. લિસ્ટિંગ પછી આ શેરમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. જેએફએસએલનો શેર બીએસી પર મંગળવારના રૂ. 239.20ના બંધથી 5% ઘટીને રૂ. 227.25 પર ખૂલ્યો હતો. બીજી તરફ, એનએસઈ પર પણ જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસનો શેર 5 ટકા ઘટીને 224.65 થયો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના તમામ ગ્રૂપ શેરોની માર્કેટ મૂડીમાં ઘટાડા માટે જેએફએસનો સૌથી મોટો ફાળો હતો. બુધવારે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસનું કુલ બજાર મૂલ્ય રૂ. 7,496.9 કરોડ ઘટીને રૂ. 1.43 લાખ કરોડ થયું હતું, જેના કારણે લિસ્ટિંગ પછી રોકાણકારોને રૂ. 23,000 કરોડથી વધુનું નુકસાન થયું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની કંપનીએ 21 ઓગસ્ટના રોજ શેરબજારમાં નિરાશાજનક પદાર્પણ કર્યું હતું. જેએફએસએલના શેર બીએસઈ પર શેર દીઠ રૂ. 265 અને એનએસઇ પર રૂ. 262 પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા હતા. પ્રોફિટ બુકિંગ અને ભારે વેચાણને કારણે ત્રણ દિવસમાં શેરમાં 15 ટકાનો ઘટાડો થયો છે. 21 ઓગસ્ટે લિસ્ટિંગ દરમિયાન શેર રૂ. 278.20ના સ્તરે પહોંચી ગયો હતો.
જુલાઈમાં ડી-મર્જર બાદ જિયો ફાઇનાન્શિયલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી અલગ થઈ ગયું હતું. તે સમયે તેના શેરની કિંમત 261.85 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. જિયો ફાઇનાન્શિયલનું માર્કેટ કેપ 1.60 લાખ કરોડ રૂપિયા છે. લિસ્ટિંગ પછી, આવા રોકાણકારોને સૌથી વધુ ફાયદો થયો છે, જેમની પાસે રેકોર્ડ ડેટ એટલે કે 20 જુલાઈ સુધી RILના શેર હતા. ડી-મર્જરની પ્રક્રિયા હેઠળ, રોકાણકારોને 1:1 રેશિયોમાં શેર આપવામાં આવ્યા છે.
