શેરબજારમાં રાજકોટના રોકાણકારોનો રસ વધ્યો
સપ્ટેમ્બરનાં એક જ માસમાં નવા ૨૬ હજાર લોકોએ નાણા રોક્યા : ભાવનગરમાં ૩૦ હજાર, અમદાવાદમાં ૫૨ હજાર અને સુરતમાં ૫૧ હજાર રોકાણકારો વધ્યા
શેરબજારમાં હમણાં ભલે મંદીનો દૌર ચાલી રહ્યો હોય પરંતુ ઓવરઓલ રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે અને પ્રાયમરી માર્કેટે પણ તેમાં પ્રાણ પૂર્યા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનાં એક તાજા અહેવાલ અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતના ચાર જિલ્લામાં રેકોર્ડતોડ નવા રોકાણકારો વધ્યા છે અને તેને લીધે ગુજરાત રાજ્ય રોકાણકારોની દ્રષ્ટીએ ઘણું આગળ વધી ગયું છે.
ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને ભાવનગરમાં સૌથી વધુ રોકાણકારો વધ્યા છે અને આખા ભારતમાં ગુજરાત જ એક માત્ર રાજ્ય છે જેના આ ચાર શહેરોમાં આટલો ગ્રોથ જોવા મળ્યો હોય.
આ અહેવાલમાં જણાવ્યા અનુસાર, ભાવનગરમાં ૩૦,૦૦૦ નવા રોકાણકારો નોંધાયા છે. જે ઓગસ્ટની સરખામણીમાં ૨૮૩ ટકા વધુ છે. આ જ રીતે રાજકોટમાં પણ સપ્ટેમ્બરમાં રોકાણકારોમાં ૧૯૩ ટકા વધારો થયો છે અને તેની સંખ્યા ૨૬ હજાર વધી છે. ઓગસ્ટ માસની સરખામણીમાં અમદાવાદમાં ૫૨ હજાર અને સુરતમાં ૫૧ હજાર રોકાણકારો વધ્યા છે. રોકાણકારોની સંખ્યામાં ભાવનગરે પુના અને બેંગ્લોરને પણ પાછળ છોડી દીધા છે.
રાષ્ટ્રીય સ્તરે દિલ્હીમાં ૧.૩ લાખ રોકાણકારો વધ્યા છે. દિલ્હી પછી મુંબઈમાં ૮૭ હજાર રોકાણકારો વધ્યા છે.
શેરબજારના એક નિષ્ણાતે કહ્યું હતું કે, ગુજરાતીઓ રોકાણ કરવામાં ક્યારેય પાછું વાળીને જોતા નથી. હવે નાના શહેરોમાંથી પણ રોકાણકારો બહાર આવે છે. ઘણા લોકો જે સોનું અને જમીનમાં રોકાણ કરતા હતા તે હવે શેરબજારમાં પણ રોકાણ કરે છે. વધુમાં તાજેતરમાં મોટા મોટા આઈ.પી.ઓ.ને મળેલી સફળતા પછી પ્રાયમરી માર્કેટમાં પણ ઉછાળો આવ્યો છે અને લોકોનો રસ વધ્યો છે.