FIIની સતત વેચવાલી : દસ ટ્રેડિંગ સેશનમાં 30 હજાર કરોડના શેર ફૂંકી માર્યા
- છેલ્લા સાડા ચાર મહિનામાં 1 લાખ કરોડથી વધુ રકમના શેરો વેંચ્યા
ભારતીય શેરબજારમાં FII સતત વેચવાલી કરી છે. છેલ્લા દસ ટ્રેડિંગ સેશનમાં જ 29,743 કરોડના શેરો FII એ વેચી માર્યા છે. છેલ્લા સાડા ચાર મહિનામાં 1 લાખ 250 કરોડના શેરોનું વેચાણ FII કરી ચૂકી છે. બીજી બાજુ છેલ્લા દસ ટ્રેડિંગ સેશનમાં DII એટલે કે સ્થાનિક નાણાકીય સંસ્થાઓએ આક્રમક લેવાલી કરી.જેમાં 31,454 કરોડના શેરોની ભારતીય શેરબજારમાં ખરીદી કરી છે.
દિવસે-દિવસે FII ભારતીય શેરબજારમાં પોતાનું હોલ્ડિંગ ઘટાડી રહી છે અને સ્થાનિક નાણાકીય સંસ્થાઓ જબરદસ્ત ટક્કર આપી બધી જ વેચવાલી ને પી જાય છે. Dii, FIIની સામે અડગ ખરીદી કરી બજારને ઘટવા દેતી નથી.શેરબજારમાં હાલ FII-DII સામસામે છે. સ્થાનિક સંસ્થાઓ મજબૂત બનીને ખરીદી કરી રહી છે. મ્યુચ્યુઅલ ફંડના SIP ના આંકડાઓ મહિને-મહિને વધતા જાય છે. આવનારા દિવસોમાં આશરે 25,000 કરોડથી 30,000 કરોડ રૂપિયા ખાલી મ્યુચ્યુઅલ ફંડ માં આવશે તેમાં કોઈ શંકા નથી.
આ મ્યુચ્યુઅલ ફંડના નાણા શેરબજારમાં ઠલવાઈ રહ્યા છે.ઉપરાંત નાના રોકાણકારો પણ શેરબજારમાં વિશ્વાસ દાખવી રોકાણ વધારી રહ્યા છે. પ્રાઇમરી માર્કેટમાં પણ હજારો કરોડ રૂપિયા રોકીને આઇ.પી.ઓ લાવનારી કંપનીઓના ભરણા છલકાવી રહ્યા છે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર FII સતત વેચવાલી કરી રહી છે,જેની સામે DII ખરીદી કરી રહી છે.FII ની વેચવાલી બંધ થશે તો બજારમાં જોરદાર તેજી થશે. જ્યાં સુધી DII ની જોરદાર ખરીદી બજારમાં ચાલુ છે,ત્યાં સુધી બજાર નાના-મોટાઓ આંચકાઓ પચાવી જશે.શેરબજારને નાના રોકાણકાર ટકાવી રહ્યા છે. જે દોરા આગળ જતા પણ ચાલુ રહેશે અને FII ની વેચવાલી થી કોઈ મોટો ફરક નહીં પડે. પરંતુ FII જો ભારતીય શેરબજારમાં ખરીદી કરવા લાગશે તો બજારમાં નવી રોનક જોવા મળશે.