શેરબજાર અને રૂપિયો બંને તૂટ્યા : રોકાણકારો ધોવાયા
અમેરિકી ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો ભારતના બજારને ન પચ્યો
વૈશ્વિક કારણોસર મંદીનો સામનો કરી રહેલા ભારતીય શેરબજાર માટે ગુરુવારનો દિવસ પણ ખરાબ રહ્યો હતો અને અમેરિકી ફેડ દ્વારા કરવામાં આવેલા વ્યાજદરના ઘટાડાના પરિણામે ભારત જ નહી પણ એશિયાભરનાં શેરબજારમાં કડાકા થયા હતા.ગુરુવારની સવારે બજાર ખુલતાની સાથે જસેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટ્સ ગગડ્યો હતો. નિફ્ટી પણ 300 પોઈન્ટનો તુટ્યો હતો.
શેરબજાર ખુલતાની સાથેના સેન્સેક્સના 30 શેરોમાંથી 28 ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતાં અને માત્ર 2માં વધારો જોવા મળ્યો હતો. આજે ભારે વેચવાલીને લીધે સેન્સેક્સ ફરી 80000ની નીચે સરકી ગયો હતો અને કલોઝિંગ સમયે 964 પોઈન્ટના ઘટાડા સાથે 79,218 ઉપર ટ્રેડ કરી રહ્યો હતો અને નિફ્ટી 247 પોઈન્ટના ઘટાડા સાથે 23,951 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.
શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને ૬ લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. 449.34 લાખ કરોડ થયું છે.
ડોલર સામે રૂપિયો ગગડીને 85.06ના તળિયે
ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો નબળા વલણ સાથે ખુલ્યો અને ડોલર સામે 85.00 ના સ્તરે પહોંચી ગયો છે. આયાતકારોની માંગ, વિદેશી મૂડીનો ઉપાડ અને ડોમેસ્ટિક શેર માર્કેટોમાં નરમ વલણ વચ્ચે રોકાણકારોની ધારણા પ્રભાવિત થઈ અને તે અમેરિકન ચલણ સામે 85.06 પ્રતિ ડોલરના સર્વકાલીન નીચલા સ્તર પર આવી ગયો. જે છેલ્લા બંધ ભાવથી 12 પૈસાનો ઘટાડો દર્શાવે છે.
અમેરિકાના શેરબજારમાં 50 વર્ષની ઐતિહાસિક મંદી
યુએસ ફેડ રિઝર્વ દ્વારા સતત ત્રીજી વખત વ્યાજદર ઘટાડવામાં આવ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વ બેંકના વડા જેરોમ પોવેલે ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી) વ્યાજદરમાં 0.25 ટકા ઘટાડવાની ઘોષણા કરવામાં આવી છે. આ સાથે અમેરિકામાં મુખ્ય વ્યાજદર 4.25 થી 4.50 ટકા રેન્જ કરી દીધો છે. યુએસ ફેડ રિઝર્વના રેટ કટ બાદ અમેરિકાના શેરબજારમાં 50 વર્ષની સૌથી લાંબી મંદી જોવા મળી છે. અમેરિકાના શેરબજારનો બેન્ચમાર્ક ડાઉ જોન્સ 1123.03 પોઈન્ટ અથવા 2.58 ટકા ઘટીને 42326.87 બંધ થયો હતો. તો નાસ્ડેટ ઇન્ડેક્સ 716 પોઇન્ટ કે 3.56 ટકાના કડાકામાં 19392 બંધ થયો છે. એસએન્ડપી 500 ઇન્ડેક્સ 178 પોઇન્ટ કે 2.95 ટકા તૂટી 5872 બંધ થયો છે.