શેરબજારમાં ધોધમાર તેજી : સેન્સેક્સમાં 1300 પોઈન્ટ ઉછળ્યો
મિશ્ર વૈશ્વિક સંકેતો છતાં ભારતમાં રોકાણકારોને બલ્લે બલ્લે
સેન્સેક્સમાં આજે 1300થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે નિફ્ટીમાં લગભગ 440 પોઈન્ટનો મજબૂત વધારો જોવા મળ્યો હતો. આજે તમામ સેક્ટરમાં લેવાલીનો માહોલ હતો.
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. મિશ્ર વૈશ્વિક સંકેતો છતાં ભારતીય શેરબજાર મજબૂત ઓપનિંગ બાદ મજબૂત બંધ રહ્યું હતું. સેન્સેક્સમાં 1300થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે નિફ્ટીમાં 440 પોઈન્ટનો મજબૂત વધારો જોવા મળ્યો હતો.
શુક્રવારે સેન્સેક્સ 80,158.50 પોઈન્ટ પર ખુલ્યો હતો અને ટ્રેડિંગના અંતે તે1292 પોઈન્ટના ઉછાળા સાથે 81,332.16 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 24,423.35 પોઈન્ટ પર ખૂલ્યો હતો અને અંતે 428 પોઈન્ટ વધીને 24,834 .60 પોઈન્ટ પર બંધ થયો હતો.
આજે ટેલિકોમ કંપનીઓના શેરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સની ટોચની 30 કંપનીઓમાં એરટેલના શેરમાં સૌથી વધુ 5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. વોડા આઈડિયાના શેરમાં પણ 5 ટકાનો ઘટાડો થયો હતો.
આ ઉપરાંત, લાર્જકેપમાં, એપોલો હોસ્પિટલ્સમાં 4 ટકાથી વધુ, અદાણી પોર્ટ્સમાં 4 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝિસમાં 4 ટકાથી વધુ વૃદ્ધિ નોંધાઈ હતી. વિપ્રોના શેરમાં 3.64 ટકાનો અદભૂત વધારો નોંધાયો હતો.
બજેટના દિવસે કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કરવામાં આવ્યા બાદ તેમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. જે બાદ બુધવાર અને ગુરુવારે બજાર એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું હતું. પરંતુ શુક્રવારે શેરબજારમાં તોફાની તેજી જોવા મળી હતી અને રોકાણકારો ધનિક બની ગયા હતા.
રોકાણકારોની સંપત્તિમાં 7 લાખ કરોડનો ઉછાળો
ભારતીય શેરબજારમાં શાનદાર ઉછાળા બાદ રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 456.85 લાખ કરોડે પહોંચ્યું હતું, જ્યારે છેલ્લા સત્રમાં તે રૂ. 449.82 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં બજારના ઉછાળાને કારણે માર્કેટ કેપમાં રૂ. 7.03 લાખ કરોડનો વધારો થયો છે.