જી૨૦ સમિટ શેરબજારને ફળી : રોકાણકારોને એક દિવસમાં 3 લાખ કરોડનો ફાયદો
Nifty પહેલી વખત 20,000ને પાર, સેન્સેક્સ પણ ૫૨૮ પોઈન્ટ ઉછળ્યો
ભારતનો ડિપ્લોમેટિક પ્રભાવ વધી રહ્યો હોવાથી શેરબજારમાં પોઝિટિવ અસર પડી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી પોર્ટ્સના શેર ટોપ ગેઈનર રહ્યા હતા.
G20 સમિટ પછી ઈકોનોમી અંગે ઉત્સાહનો માહોલ હોવાથી ભારે તેજી જોવા મળી
સેન્સેક્સ પણ 528 પોઈન્ટ વધીને 67,127 ઉપર બંધ આવ્યો હતો.નિફ્ટીએ પહેલી વખત 20000ની સપાટી વટાવી હતી. નિફ્ટી આજે વધીને 20,008 પાર ગયો હતો અને 19996 પર બંધ આવ્યો હતો. છેલ્લે નિફ્ટીની ઓલ-ટાઈમ હાઈ સપાટી રૂ. 19,991.85 હતી જે 20 જુલાઈએ નોંધાઈ હતી. આ સાથે નિફ્ટીએ માત્ર 36 સેશનમાં નવી હાઈ સપાટી બનાવી છે.;આવી સ્થિતિમાં રોકાણકારોને બખ્ખા થઇ ગયા છે.
જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસિસના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટે જણાવ્યું કે ભારતનો ડિપ્લોમેટિક પ્રભાવ વધી રહ્યો હોવાથી શેરબજારમાં પોઝિટિવ અસર પડી છે અને બજાર વધ્યું છે. ખાસ કરીને G20 દિલ્હી ડિકલેરેશનના કારણે બધી જગ્યાએ તેની નોંધ લેવાઈ છે.
G20માં હવે આફ્રિકન યુનિયનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈન્ડિયા-મિડલ ઈસ્ટ -યુરોપ કોરિડોર બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે જેનાથી અર્થતંત્ર અને બજાર પર હકારાત્મક અસર પડશે. ઉદાહરણ તરીકે G20માં આફ્રિકન યુનિયનનો સમાવેશ કરવો એ ભારતી એરટેલ માટે બહુ મોટી વાત હશે કારણ કે આફ્રિકામાં ભારતી એરટેલની નોંધપાત્ર હાજરી છે.
બજારમાં આજે આવેલી તેજીના કારણે રોકાણકારોને માત્ર એક દિવસમાં ત્રણ લાખ કરોડનો ફાયદો થયો છે. રિટેલ અને અન્ય ડોમેસ્ટિક સંસ્થાકીય રોકાણકારો દલાલ સ્ટ્રીટમાં પુષ્કળ નાણાં ઠાલવી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં FII નેટ સેલર્સ રહ્યા હોવા છતાં સેન્સેક્સ અને નિફ્ટીએ ઉંચાઈ દર્શાવી છે. શુક્રવારે ડીઆઈઆઈ દ્વારા 1100 કરોડની ખરીદી કરવામાં આવી હતી. ઓગસ્ટ મહિનાના આંકડા મુજબ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઈનફ્લો ડબલ કરતા વધારે થઈને 20,245 કરોડ થયો હતો. જ્યારે એસઆઈપીનું યોગદાન 15,813 કરોડ રૂપિયા હતું.