અદાણી જૂથના શેરમાં અભૂતપૂર્વક કડાકો રોકાણકારોના 2.81 લાખ કરોડ ધોવાયા
અમેરિકામાં આરોપનામું દાખલ થયા બાદ અદાણી જૂથની કંપનીઓના શેરોની કિંમતમાં 8 થી 23 ટકા સુધી જંગી કડાકો થતા એ શેરોના રોકાણકારોના 2.81 લાખ કરોડનું ધોવાણ થયું હતું.એશિયન ટ્રેડિંગમાં અદાણી ડોલર બોન્ડમાં ઘટાડો થયો હતો, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના બોન્ડની કિંમતમાં 3-5 સેન્ટનો ઘટાડો થયો હતો. ફેબ્રુઆરી 2023માં અદાણી ગ્રુપ પરના શોર્ટ-સેલર હુમલા બાદ આ સૌથી મોટો ઘટાડો હતો.
અદાણી એન્ટરપ્રાઇઝ તેમજ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના ભાવમાં 23 ટકાનો ઘટાડો થયો હતો. જૂથના 11 શેર માં એક તબક્કે સરેરાશ 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી એનર્જીમાં 20 ટકા, અદાણી ગ્રીનમાં 18 ટકા ઘટાડો નોંધાયો હતો.
અંબુજા સિમેન્ટ એસીસી અને અદાણી પોર્ટમાં 10 ટકા, ndtv ના શેરમાં 11 ટકા, અદાણી વીલચર 8 ટકા અને સાંઘી ઇન્ડિયામાં છ ટકાનો કડાકો બોલી ગયો હતો. અદાણી ટોટલ ગેસ ના ભાવ 13 ટકા સુધી અને અદાણી પાવરના ભાવ 14% સુધી ગગડી ગયા હતા.
અદાણીએ આરોપો ફગાવ્યા
અમેરિકી અદાલતમાં રજુ કરવામાં આવેલા આરોપનામાને અદાણી જૂથે નકારી કાઢ્યું હતું. અદાણી તરફથી સત્તાવાર રીતે રજૂ કરાયેલા કુલાસામાં જણાવ્યા અનુસાર જ્યાં સુધી આરોપ સાબિત નથી થતાં ત્યાં સુધી કોઈ ગુનેગાર ન ગણાય. હા આરોપો સામે તમામ જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. સતાવાર યાદીમાં જણાવ્યું છે, “અદાણી ગ્રૂપે તેની કામગીરીના તમામ અધિકારક્ષેત્રોમાં શાસન, પારદર્શિતા અને નિયમનકારી અનુપાલનનાં સર્વોચ્ચ ધોરણોને જાળવી રાખવાનું સમર્થન કર્યું છે અને નિશ્ચિતપણે પ્રતિબદ્ધ છે. અમે અમારા હિતધારકો, ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે અમે કાયદાનું પાલન કરતી સંસ્થા છીએ, તમામ કાયદાઓનું સંપૂર્ણ પાલન કરીએ છીએ.”
અદાણીના ભ્રષ્ટાચારમાં વડાપ્રધાન સામેલ છે બંને સાથે છે ત્યાં સુધી સેફ છે: રાહુલ ગાંધી
અદાણી સામે અમેરિકાની અદાલતમાં આરોપનામું ઘડાયા બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અમે વર્ષોથી જે આક્ષેપો કરી રહ્યા છીએ તેને હવે સમર્થન મળ્યું છે. અમેરિકાની અદાલતમાં આરોપનામાં ઘડાયું તે સાબિત કરે છે કે અદાણીએ ભારત અને અમેરિકા બંનેના કાયદાનો ભંગ કર્યો છે. પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે
અદાણીએ ભ્રષ્ટાચાર દ્વારા ભારતની સંપત્તિ હડપ કરી છે. તેઓ ભાજપને ટેકો આપે છે એ આખી દુનિયા જાણે છે. રાહુલ ગાંધી ઉમેર્યું કે 10 15 કરોડના કથિત કૌભાંડ બદલ મુખ્યમંત્રીઓની ધરપકડ કરી લેવામાં આવે છે પણ 2000 કરોડનું કૌભાંડ કરનાર મુક્ત રીતે હરે ફરે છે. વિપક્ષના નેતાએ ઉમેરી ઓકે અદાણીના ભ્રષ્ટાચારમાં મોદી સામેલ છે અને મોદી જ અદાણીને બચાવે છે. અદાણીનું રક્ષણ ખુદ વડાપ્રધાન કરતા હોવાથી તેમનો વાળ પણ વાંકો નથી થતો. બંને એક છે ત્યાં સુધી સેફ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કયા રાજ્યોમાં ભ્રષ્ટાચાર થયો તે મુદ્દો બાજુ પર રાખી અને તમામ રાજ્યોમાં તપાસ થવી જોઈએ. નોંધનીય છે કે આરોપનામામાં આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા,તમિલનાડુ અને જમ્મુ કાશ્મીરના અધિકારીઓને લાંચ આપી હોવાનો ઉલ્લેખ છે.
રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીની ધરપકડ કરવાની માગણી કરી હતી. તેમણે સેબીના ચેર પર્સન માધવી બુચની હકાલપટ્ટીની પણ માગણી કરી હતી અને તેમણે અદાણી સામે કેમ કોઈ પગલા ન લીધા તેની તપાસ કરવા અનુરોધ કર્યો હતો. આ મુદ્દો તેઓ સોમવારથી શરૂ થતા સંસદના શિયાળો સત્રમાં ઉઠાવશે તેવી જાહેરાત રાહુલ ગાંધીએ કરી હતી.
આરોપનામાં ઉલ્લેખિત રાજ્યોમાં વિપક્ષોનું શાસન હતું: ભાજપનો વળતો હુમલો
રાહુલ ગાંધીએ અદાણી સામેના આરોપનામા બાદ
મોદી ઉપર પ્રહારો કરતા ભાજપ પણ અદાણીના બચાવમાં મેદાનમાં આવી ગયો હતો. ભાજપના આઇટી સેલના વડા અમે તો માલવિયએ કહ્યું કે અમેરિકી અદાલતે માત્ર આરોપ લગાવ્યા છે. એ આરોપ સાબિત ન થાય ત્યાં સુધી કોઈને ગુનેગાર ન ગણાવી શકાય. જો કે ભાજપના બીજા નેતા સંબિત પાત્રાએ તો કોંગ્રેસ અને વિપક્ષો ઉપર જ વળતા આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે આરોપનામામાં દર્શાવવામાં આવેલ એક પણ રાજ્યમાં ભાજપના મુખ્યમંત્રી નહોતા. એ રાજ્યોમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનું શાસન હતું. તેમણે રાહુલ ગાંધીએ રાફેલ સમયે પણ ખોટા આક્ષેપો કર્યા હતા એ યાદ અપાવી ખુદ રાહુલ અને તેના માતા સોનિયા ગાંધી પણ જામીન ઉપર હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આરોપનામાં દર્શાવવામાં આવેલા રાજ્યોમાં છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર હતી અને તામિલનાડુમાં એમ કે સ્ટાઇલિન સાથે સત્તામાં કોંગ્રેસની ભાગીદારી હતી. ઓડિશામાં બીજુ પટનાયક મુખ્યમંત્રી હતા. આંધ્ર પ્રદેશમાં જગન મોહન રેડી ની સરકાર હતી. જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં કેન્દ્રનું શાસન હતું.