દુનિયાને અલવિદા કરનાર સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ કોણ હતા ? વાંચો
સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ અને તામિલ નાડુના પૂર્વ રાજ્યપાલ ફાતિમા બીબીનું લાંબી માંદગી બાદ 96 વર્ષની વયે નિધન થયું હતું. જસ્ટિસ ફાતિમા બીબી દેશના ઉચ્ચ ન્યાયતંત્રમાં નિયુક્ત થનાર પ્રથમ મુસ્લિમ મહિલા પણ હતા. કેરળમાં જન્મેલા ફાતિમા બીબી મહિલાઓ માટે એક પ્રેરણા અને ગૌરવ સમાન હતા.
ફાતિમા બીબીનું 96 વર્ષની વયે લાંબી માંદગી બાદ કેરળની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું એમનો જન્મ 1927માં કેરળમાં થયો હતો, તેમના પિતાએ કાયદાનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે 1950માં બાર કાઉન્સિલની પરીક્ષામાં ટોપ કર્યું અને બાર કાઉન્સિલ ગોલ્ડ મેડલ મેળવનારી પ્રથમ મહિલા બન્યા હતા. કેરળમાં વકીલ તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી અને 1974માં જિલ્લા અને સત્ર ન્યાયાધીશ બનવા સુધી તેમણે કામ કર્યું હતું.
તેમણે રાજકીય ક્ષેત્રે પણ પોતાની છાપ છોડી હતી. તેઓ સુપ્રીમ કોર્ટના જજ તરીકે સેવા આપ્યા બાદ તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. તેઓ કોઈપણ ઉચ્ચ ન્યાયતંત્રમાં નિયુક્ત થનારી પ્રથમ મુસ્લિમ મહિલા જજ પણ હતા. આ ઉપરાંત એશિયામાં કોઈ દેશની સર્વોચ્ચ અદાલતની પ્રથમ મહિલા જજનું બિરુદ પણ તેમના નામે છે. 1989માં સુપ્રીમ કોર્ટના મહિલા જજ બન્યા હતા.
