સંસદનું શિયાળુ સત્ર ક્યારથી શરૂ થશે ? જુઓ
સંસદનું શિયાળુ સત્ર ચોથી ડિસેમ્બરથી શરૂ થશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આ મુજબની જાહેરાત કરતાં જણાવ્યું કે, સંસદનું શિયાળુ સત્ર ચોથી ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી યોજાશે. 19 દિવસ ચાલનાર શિયાળુ સત્રમાં 15 બેઠકો યોજાશે. જોશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ દ્વારા શિયાળુ સત્ર અંગે માહિતી આપી હતી.
પાંચ રાજ્યોમાંથી છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું જ્યારે મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન પૂર્ણ થઈ ગયું છે, તો 17મીએ મધ્યપ્રદેશમાં, 23મીએ રાજસ્થાનમાં અને 30મીએ તેલંગણામાં મતદાન યોજાવાનું છે, જ્યારે પાંચેય રાજ્યોનું ત્રીજી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારબાદ ચોથી ડિસેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાનું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સંસદનું શિયાળુ સત્ર દરમિયાન આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટને બદલવા માટેના 3 મોટા વિધેયકો પર વિચારણા થવાની સંભાવના છે, કારણ કે ગૃહ બાબતોની સ્થાયી સમિતિએ તાજેતરમાં 3 રિપોર્ટ સ્વીકાર્યા છે. સંસદમાં પેન્ડિંગ અન્ય મુખ્ય વિધેયકો મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક સાથે સંબંધિત છે.