કોણ બન્યા છત્તીસગઢના નવા મુખ્યમંત્રી ? કેવી છે એમની રાજકિય કારકિર્દી ?
- ભાજપે અનેક દાવેદારોના નામની ચર્ચા વચ્ચે નવા જ ચહેરાને જવાબદારી સોંપી
- આદિવાસી નેતા પર પસંદગી ઉતારી લોકસભા ચૂંટણીને પણ નજરમાં રાખી
- સપ્તાહના સસ્પેન્સનો અંત
ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલા પ્રચંડ વિજય બાદ ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રી નક્કી કરવા માટે છેલ્લા એક સપ્તાહથી ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું હતું અને આજે છત્તીસગઢ રાજ્યના સસ્પેન્સનો અંત આવી ગયો હતો. છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે અનેકના નામોની અટકળો ચાલી હતી પરંતુ ભાજપ મોવડી મંડળે એકદમ નવા જ ચહેરાની જાહેરાત કરી હતી. પ્રત્યુત્તરના નવા મુખ્યમંત્રી તરીકે પીઢ આદિવાસી નેતા વિષ્ણુદેવ સાયનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કુલ વસતિમાં ૪૫ ટકા ઓબીસીની ભાગીદારી છે ત્યારે આદિવાસી નેતાને રાજ્યની કમાન સોંપીને ભાજપે લોકસભાની ચૂંટણીને પણ નજરમાં રાખી છે.
રાયપુરમાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મળી હતી અને તેમાં ભાજપના તમામ ચૂંટાયેલા ૫૪ ધારાસભ્યો હાજર રહ્યા હતા અને નિરીક્ષકોએ વિષ્ણુદેવ સાયનું નામ જાહેર કર્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહે સાયના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો અને પ્રદેશ પ્રમુખ અરૂણ સાવે તેમજ અગ્રવાલે પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.