ગૌહાટીમાં ભારત-આફ્રિકા વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચ : ભારત શ્રેણી બચાવવા, આફ્રિકા 25 વર્ષ બાદ કબજે કરવા ઉતરશે
પહેલી ટેસ્ટ મેચમાં ચોંકાવનારી હાર ખ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ બીજી મેચમાં જીત મેળવી શ્રેણી બચાવવાના ઈરાદે આજે શનિવારથી આફ્રિકા સામે ઉતરશે. કોલકત્તામાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ટેમ્બા બાવુમાની આગેવાનીવાળી આફ્રિકી ટીમે ભારતને 30 રને હરાવી 15 વર્ષ બાદ ભારતીય ધરતી પર ટેસ્ટ મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયા 124 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 93 રને આઉટ થઈ ગઈ હતી. બીજી બાજુ ગૌહાટીના બરસાપારા સ્ટેડિયમ પર પહેલીવાર ટેસ્ટ મેચ રમાતી હોય તેનો પડકાર પણ બન્ને સામે રહેશે. આ મેચ અડધી કલાક વહેલી શરૂ થશે.
જો ભારતીય ટીમ આ ટેસ્ટ પણ હારી જાય છે તો બીજી વખત એવું બનશે જ્યારે આફિઽકી ટીમ ભારતને તેના ઘરમાં 2-0થી હરાવીને શ્રેણી પર કબજો કરશે. 2000માં હેન્સી ક્રોનિએની આગેવાનીવાળી આફ્રિકા ટીમે ભારતને 2-0થી હરાવ્યું હતું. આ કેપ્ટન તરીકે સચિન તેંડુલકરની અંતિમ શ્રેણી હતી.
બીજી બાજુ શુભમન ગીલ ઈજાગ્રસ્ત હોવાને કારણે આ મેચમાં રમશે નહીં એટલા માટે કેપ્ટનની જવાબદારી ઋષભ પંતને સોંપવામાં આવી છે. આ સાથે જ પંત ભારતીય ટેસ્ટ ટીમનો 38મો કેપ્ટન બનશે. જ્યારે ગીલની જગ્યાએ ટીમમાં કોને સ્થાન મળે છે તે પણ જોવું રસપ્રદ રહેશે.
આ મેચ આજે શનિવારથી લઈ 26 નવેમ્બર સુધી રમાશે. ગૌહાટીમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત ઝડપથી થતા હોવાને કારણે મેચ સવારે નવ વાગ્યાક્ષ શરૂ થશે.
