G-20 સમિટમાં ભાગ લેવા માટે PM મોદી જોહાનીસ્બર્ગ જવા રવાના : અનેક વૈશ્વિક નેતાઓને મળશે, જાણો શું છે એજન્ડા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દક્ષિણ આફ્રિકાના ત્રણ દિવસના પ્રવાસ માટે દિલ્હીથી રવાના થયા હતાં. તેઓ જોહાનિસબર્ગમાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેશે અને વિશ્વના ઘણા નેતાઓને મળશે.
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે રવાના થતા પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ ‘વસુધૈવ કુટુંબકમ’ અને ‘એક વિશ્વ, એક પરિવાર અને એક ભવિષ્ય’ ના વિઝનને અનુરૂપ ભારતનો દ્રષ્ટિકોણ G20 સમિટમાં રજૂ કરશે.આ વર્ષની G20 સમિટ ખાસ છે, કેમ કે આફ્રિકા ખંડમાં પહેલીવાર આવી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું,.”દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાનારી સમિટમાં હાજરી આપીશ.જ્યાં વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સમિટ દરમિયાન વિવિધ વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરીશ.” વડાપ્રધાન મોદીએ લખ્યું, આ એક સમિટ ખાસ રહેશે કારણ કે તે પહેલીવાર આ સમિટનું આયોજન આફ્રિકા ખંડમાં થઇ રહ્યું છે. 2023માં આફ્રિકન યુનિયન તેનુ સભ્ય બન્યું હતું.
આ સમિટથી અલગ વડા પ્રધાન જોહાનિસબર્ગમાં કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે, તેઓ છઠ્ઠી ઇન્ડિયા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા ડાયલોગ ફોરમમાં પણ હાજરી આપશે.આ વર્ષની સમિટની થીમ ‘સોલિડારીટી, ઇક્વાલિટી અને સસ્ટેનીબીલીટી’ છે. વિદેશ મંત્રાલયે આપેલી જાણકારી મુજબ વડા પ્રધાન મોદી સમિટના ત્રણેય સેશનમાં સંબોધન આપશે. વડાપ્રધાન મોદીએ એમ પણ જણાવ્યું કે તેઓ મુલાકાત દરમિયાન દક્ષિણ આફ્રિકામાં ભારતીય ડાયસ્પોરા સાથેની વાતચીત કરશે.
PM મોદીનો એજન્ડા
મળતી માહિતી અનુસાર, આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ત્રણ મુખ્ય સત્રોને સંબોધિત કરી શકે છે, જેમના વિષય નીચે મુજબ છે:
- પ્રથમ સત્ર: સમાવેશી અને ટકાઉ આર્થિક વિકાસ, જેમાં કોઈ વંચિત ન રહે.
- બીજું સત્ર: એક ગતિશીલ વિશ્વ – G20નું યોગદાન (આપત્તિ જોખમ અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત).
- ત્રીજું સત્ર: બધા માટે નિષ્પક્ષ અને ન્યાયી ભવિષ્ય.
