રાજકોટમાં TRP અગ્નિકાંડ પછી પણ ન સુધર્યા! 1430 ગેરકાયદે મિલકત તોડી પાડવામાં વામણા
રાજકોટમાં ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ થયાને બે વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે. આ દૂર્ઘટના બનવા પાછળ ગેઈમઝોનનો ગેરકાયદેસર માચડો જ જવાબદાર હતો જેને તોડી પાડવામાં ટાઉન પ્લાનિંગ શાખાએ દાખવેલી બેદરકારી જ 29 લોકોના મૃત્યુ પાછળ કારણભૂત હતી. જો કે આ દૂર્ઘટના બની ગયા બાદ પણ ટાઉન પ્લાનિંગ શાખાએ સુધરવાનું નામ જ લીધું ન હોવાથી શહેરમાં એક બાદ એક ગેરકાયદેસર મિલકતો ઉભી થઈ ગયાનું ધ્યાન પર આવતા તેને તોડી પાડવા માટેની આખરી નોટિસ આપી દેવાયા છતાં હજુ સુધી તંત્ર દ્વારા ડિમોલિશન કરાયું ન હોવાથી આ પ્રકારની મિલકતો ગમે ત્યારે દૂર્ઘટના સર્જશે તેવું કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.
જનરલ બોર્ડમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા લેખિત જવાબ આપતાં જણાવાયું હતું કે ગેઈમ ઝોનના બનાવ પછી ગેરકાયદેસર મિલકતોને 260 (1) મુજબ કુલ 1565 નોટિસ આપવામાં આવી છે. આ નોટિસનો મતલબ એ થાય કે મિલકત ગેરકાયદે હોવાનું ધ્યાન પર આવ્યા બાદ તંત્ર દ્વારા મિલકત માલિકને નોટિસ અપાય છે અને જો મિલકત માલિક દ્વારા પોતાનું બાંધકામ કાયદેસર હોવાના પૂરાવા રજૂ કરવામાં આવે તો તે મિલકતનું ડિમોલિશન કરવામાં આવતું નથી. આ જ રીતે 260 (2) મતલબ કે આ નોટિસ અપાઈ હોય તે મિલકત ગેરકાયદેસર જ ગણવાનું હોવાથી તેને તોડી જ પાડવાની હોય છે. આ પ્રકારની કુલ 1468 નોટિસ અપાઈ તેમાંથી આજ સુધીમાં કુલ 38 મિલકતનું જ ડિમોલિશન કરાયાનો લેખિત એકરાર ટીપી શાખા દ્વારા કરવામાં આવ્યો હતો.
કાયમી ટાઉન પ્લાનિંગ ઓફિસર ક્યારે આવશે ? તંત્ર પાસે કોઈ જવાબ નહીં
જનરલ બોર્ડમાં કોર્પોરેટર કોમલ ભારાઈ દ્વારા મહાપાલિકામાં કાયમી ટાઉન પ્લાનિંગ ઓફિસર ક્યારે આવશે તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો જેનો જવાબ આપતાં ટીપી શાખાએ જણાવ્યું કે રાજકોટ મહાપાલિકાના કાયમી ટીપીઓ હાલ ફરજમોકુફ મતલબ કે સસ્પેન્ડ છે. જ્યારે તેમની જગ્યાએ સરકાર દ્વારા કિરણ સુમરાને મુકવામાં આવ્યા હતા પરંતુ તેમની પણ બદલી થઈ જતા હાલ ઈન્ચાર્જ ટીપીઓ તરીકે આર.ડી.પરમાર કાર્યરત છે.
