રાજકોટ એરપોર્ટ પર બોમ્બ કોલથી દોડધામ : SOG,ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ, અંતે મોકડ્રીલ જાહેર થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો
રાજકોટ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને બોમ્બ કોલની ધમકી મળતા દોડધામ મચી જવા પામી હતી. SOG, BDDS, ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ ધરવામાં આવ્યું હતું. તપાસના અંતે કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું ત્યારે અંતે મોકડ્રીલ જાહેર કરવામાં આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણ (AAI) દ્વારા 21 નવેમ્બર 2025ના રોજ સવારે 10:30 થી 11:15 કલાક દરમિયાન વાર્ષિક બોમ્બ ધમકી મૉક એક્સરસાઇઝ સફળતાપૂર્વક યોજાઈ. આ અભ્યાસનું મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ દરમિયાન વિવિધ સુરક્ષા એજન્સીઓની તાત્કાલિક પ્રતિસાદ ક્ષમતા, પરસ્પર સમન્વય અને SOPના પાલનની કાર્યક્ષમતા તપાસવાનું હતું.

આ મૉક ડ્રિલમાં AAI, ફાયર વિભાગ, CISF, સ્ટેટ BDDS, સ્ટેટ QRT, SOG, એરલાઇન સ્ટાફ, તેમજ મેડિકલ ટીમ સહિત વિમાનમથકે કાર્યરત અનેક હિતધારકોએ સક્રિય ભાગ લીધો. તમામ ટીમોએ પોતાના કાર્યમાં ચુસ્તતા, ઝડપી પ્રતિભાવ અને ઉત્તમ સમન્વય દર્શાવી અભ્યાસને સફળ બનાવ્યો.

આવી મૉક એક્સરસાઇઝ દ્વારા વિમાનમથકની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા સાથે આકસ્મિક પરિસ્થિતિઓને સામનો કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. AAI દ્વારા જણાવવામાં આવ્યું કે આવનારા સમયમાં પણ આવા તાલીમ અભ્યાસ સતત આયોજન કરવામાં આવશે, જેથી મુસાફરોની સુરક્ષા અને વિમાનમથકની તૈયારીમાં વધુ સુધારો કરી શકાય.
