દિલ્હી બ્લાસ્ટ: આતંકી ડોકટરોને જૈશે રૂ.20 લાખ મોકલ્યા’તા, યુવકોનું બ્રેઇન વોશ કરતો હતો ઉમર,મોબાઈલમાંથી માહિતી મળી
તપાસ એજન્સીઑ હવે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટમાં હવાલા એંગલની તપાસ કરી રહી છે. ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી ઉદ્ભવેલા વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલની હવે હવાલા નેટવર્કની સંડોવણી સામે આવી છે. હવે તાર સીધા સીમા પારથી જોડાઈ રહ્યા છે. આંતકી સંગઠન જૈશ દ્વારા રૂપિયા 20 લાખની રકમ હવાલા મારફત મોકલાઈ હતી તેવું બહાર આવ્યું છે.
આ ભંડોળ હવાલા નેટવર્ક દ્વારા યુનિવર્સિટીમાંથી ધરપકડ કરાયેલા અને હાલમાં ફરાર ડોકટરોને પહોંચાડવામાં આવી રહ્યું હતું. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે ડોકટરોના બેંક ખાતાઓની તપાસ કરવામાં આવી રહી છે, છેલ્લા કેટલાક મહિનામાં તેમના ખાતાઓમાં થયેલા વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.દરમિયાનમાં આતંકી ઉમરના મોબાઈલમાંથી એવું જાણવા મળ્યું છે કે તે યુવકોનું બ્રેઇન વોશ કરતો હતો. સ્લીપર સેલ તૈયાર કરી રહ્યો હતો.
એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, એજન્સી ડૉ. ઉમર, ડૉ. મુઝમ્મિલ અને ડૉ. શાહીનના વ્યવહારોની તપાસ કરી રહી છે. શરૂઆતની તપાસમાં રૂપિયા 20 લાખના પુરાવા મળ્યા છે. એજન્સીઓને શંકા છે કે આ પૈસા જૈશના કોઈ હેન્ડલર પાસેથી આવ્યા હતા. જૈશે આ પૈસા હવાલા દ્વારા ડૉક્ટરોને ટ્રાન્સફર કર્યા હતા.
આ પણ વાંચો :રાજકોટની સોની બજારમાં વધુ એક ચીટિંગ : જયપુરનો કારીગર 42 લાખનું સોનું લઈ રફુચક્કર
ખાતર ખરીદવામાં 3 લાખ રૂપિયા ખર્ચાયા
ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાતર ખરીદવામાં આશરે 3 લાખ રૂપિયા ખર્ચાયા હતા. સૂત્રો એ પણ સૂચવે છે કે ઓમર અને ડૉ. શાહીન વચ્ચે પૈસાને લઈને વિવાદ થયો હતો. મુઝમ્મિલે તપાસ એજન્સીઓને આ મોટી માહિતી આપી છે.હવે આગળ તપાસમાં નવા ધડાકા થઈ શકે છે.
મેવાતના એક એજન્ટ દ્વારા સંપર્ક કર્યો
આ બધા આતંકવાદીઓ મેવાતના એક એજન્ટ દ્વારા દિલ્હી હવાલા નેટવર્ક સાથે જોડાયેલા હતા. એજન્ટે તેમને આતંકવાદી ભંડોળ માટે હવાલા ભંડોળ પૂરું પાડ્યું હતું. એજન્ટે પહેલા આતંકવાદી ડૉ. શાહીન, પછી ડૉ. મુઝામિલનો સંપર્ક કર્યો અને થોડા દિવસો પહેલા, તેણે આતંકવાદી ડૉ. ઉમરનો સંપર્ક કર્યો હતો.
