લગ્નપ્રસંગમાં ચોરી જ થાય ને! રાજકોટમાં અનેક પાર્ટીપ્લોટના પાર્કિંગમાં કેમેરા નહીં, અમુકમાં એંગલના ઠેકાણા ન્હોતા
લગ્નસરાની સીઝન શરૂ થઈ ચૂકી છે અને દર વર્ષની માફક આ વર્ષે પણ હજારોની સંખ્યામાં રાજકોટમાં લગ્ન થવાના છે ત્યારે તસ્કરો ફાવી ન જાય અને વર-વધૂના પરિવારની કિંમતી અમાનત એવા ઘરેણાની ચોરી ન કરી લ્યે કે પછી વાહન ન ઉઠાવી જાય તે માટે પોલીસ દ્વારા તજવીજ કરાઈ છે. અનેક પરિવારો પાર્ટીપ્લોટસમાં લગ્નનું આયોજન ગોઠવતા હોય ત્યારે ભૂતકાળમાં નાની-મોટી ચોરી થયાના બનાવ બન્યા હોવાથી પોલીસ દ્વારા પાર્ટીપ્લોટસના માલિક તેમજ સંચાલકો સાથે બેઠક કર્યા બાદ હવે સ્થળ પર જઈને કરાયેલા ચેકિંગમાં અનેક પાર્ટીપ્લોટના પાર્કિંગમાં કેમેરા જોવા ન્હોતા મળ્યા તો અમુક સ્થળે કેમેરાના એંગલના ઠેકાણા ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
રાજકોટમાં તાલુકા પોલીસ મથક વિસ્તારમાં સૌથી વધુ પાર્ટીપ્લોટ આવેલા છે. આ પોલીસ મથક શહેરની ભાગોળે હોવાથી ત્યાં પાર્ટીપ્લોટની સંખ્યા વધુ છે. અહીં 27 જેટલા પાર્ટીપ્લોટ આવેલા હોવાનું અને લગ્નને કારણે લગભગ તમામ બુક થઈ ગયાનું સામે આવ્યું છે ત્યારે પોલીસ મથકની ટીમ દ્વારા દરેક પાર્ટીપ્લોટસમાં ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે અનેક પાર્ટીપ્લોટના પાર્કિંગમાં કેમેરા જ ન હોવાનું તેમજ અમુક પાર્ટીપ્લોટમાં કેમેરા તો હતા પરંતુ ત્યાં એંગલના ઠેકાણા ન હોવાથી તાત્કાલિક તેના માલિક અને સંચાલકને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો.
બે દિવસ દરમિયાન તમામ પાર્ટીપ્લોટનું ચેકિંગ કરી લેવામાં આવ્યા બાદ હવે પોલીસ ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ કરશે અને તેમાં જો કાર્યવાહી થયાનું નહીં જણાય તો પાર્ટીપ્લોટના માલિક અથવા સંચાલક સામે ગુનો દાખલ કરશે. પોલીસના જણાવ્યા પ્રમાણે દરેક પાર્ટી પ્લોટના એન્ટ્રી અને એક્ઝિટ ગેઈટ ઉપર કેમેરા ફરજિયાત કરવામાં આવ્યા છે.
