ગળપણનું સગપણ’ને સમજમાં સંગાથ! ડાયાબિટીક યુવકો-યુવતીઓ માટે 5 વર્ષથી રાજકોટમાં ચાલતું અનોખું મેટ્રિમોનિયલ ગ્રુપ
ગળપણનું સગપણ…ને સમજમાં સંગાથ….રાજકોટનું એક એવું મટ્રોમોનિયલ ગ્રુપ જે છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહ્યું છે.ટાઈપ 1 ડાયાબિટીક યુવાનો અને યુવતીઓ ખાતે રાજકોટમાં જેડીએફ (જુવેનાઇલ ડાયાબિટીક ફાઉન્ડેશન) દ્વારા આ મેટ્રોમોનિયલ ગ્રુપ શરૂ કરવામાં આવ્યું છે.જેના થકી અત્યાર સુધીમાં 42 જેટલાં યુગલો સપ્તપદીના વચને બંધાયા છે.
રાજકોટ જુવેનાઈલ ડાયાબિટીક ફાઉન્ડેશન 2 દાયકાથી ટાઈપ 1 ડાયાબિટીક બાળકો અને તેમના પેરેન્ટ્સમાં જાગૃતતા લાવવા અને તેમની મદદ કરવા કાર્યરત રહ્યું છે.આ દરમિયાન એવી વાત સામે આવી કે,ડાયાબિટીક યુવકો અને યુવતીઓનાં લગ્નની વાત જ્યારે આવે છે ત્યારે હજુ સમાજમાં તેમને સ્વીકારવામાં અસમંજસ રહેલી છે.આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા ને દીકરા અને દીકરીની વાત સગપણ સુધી ફાઇનલ થઈ જાય ને છેલ્લી ઘડીએ વાત પડતી મુકાઈ જાય ત્યારે ઘણું દુઃખ થતું..!! તેમ જણાવતાં ફાઉન્ડેશનનાં સ્થાપક અપુલભાઈ દોશી જણાવે છે કે,આ સમયે અમે સભ્યોએ નક્કી કર્યું કે,એક મેટ્રોમોનિયલ ગ્રુપ આપણે શરૂ કરીએ,જેમાં ડાયાબિટીક દીકરા અને દીકરી એકબીજાની ઉણપથી માહિતગાર હોવાની સાથે ડાયાબિટીસ માટે જાણકાર તો છે પણ જરૂર પડે ત્યારે તેઓની હૂંફ બનીને ઉભા રહી શકે છે.
ટાઈપ-1 ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિએ આખી જિંદગી ઇન્સ્યુલિન લેવી પડે છે, અને આ કારણે ઘણા યુવાનોને લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધવામાં મુશ્કેલી અનુભવાય છે. આવી પરિસ્થિતિમાં 5 વર્ષ પહેલાં એક વોટ્સએપ ગ્રુપ શરૂ કર્યું હતું.જેનાં માદયમથી યુવક અને યુવતીઓ એકબીજા સાથે મળે છે,નાનપણથી સભ્યો હોવાના લીધે પરિવાર પણ પરિચિત હોય છે.અપુલભાઈ કહે છે કે લાઈફમાં ડાયાબિટીસ એક ભાગ છે, આખી જિંદગી નહીં. જ્યારે બંને વ્યક્તિ એકબીજાની પરિસ્થિતિ સમજે, ત્યારે જીવન સરળ બની જાય છે.આ પહેલનો હેતુ માત્ર લગ્ન પૂરતો જ નથી, પણ એકબીજાને સપોર્ટ અને સમજ આપવા માટેનું મંચ બનાવવાનો છે. ઘણા સભ્યો માટે આ ગ્રુપ માનસિક સહારો અને મોટિવેશનનું સ્ત્રોત બની રહ્યું છે.
સભ્યો માને છે કે,જેડીએફ એક પરિવાર અને એક સમાજ છે.આ રીતે, રાજકોટમાંથી શરૂ થયેલી આ પહેલ આજે આખા ગુજરાતમાં ડાયાબિટીક યુવાઓ માટે નવી આશા બની રહી છે.
“ગળપણમાં સગપણ, અને સમજમાં સંગાથ”આ મેટ્રોમોનિયલ સેવા માટે રોહિત કાનાબાર,હરિકૃષ્ણ પંડ્યા,અનિષ શાહ,અમિત દોશી,મિતેષ ગણાત્રા સહિત ટ્રસ્ટીઓ સક્રિય છે.
ટાઈપ-1 ડાયાબિટીસ એટલે શું..?
ટાઈપ-1 ડાયાબિટીસ એવી સ્થિતિ છે જેમાં શરીર ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી. દર્દીને આખી જિંદગી માટે ઇન્સ્યુલિન લેવી પડે છે. આ બીમારી સામાન્ય રીતે બાળપણ કે કિશોરાવસ્થામાં શરૂ થાય છે, અને સતત તકેદારી રાખવી પડે છે જેમ કે,ખોરાક, દવા અને માનસિક સંતુલન સહિત.અન્ય લોકોને સમજાવવા, લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધવા કે રોજિંદા જીવનમાં સ્વીકૃતિ મેળવવી એ ડાયાબિટીક યુવાઓ માટે મોટો પડકાર રહે છે.
2 ફક્ત લગ્ન નહીં, પરંતુ સહયોગ અને સમજ

આ ગ્રૂપ સાથે જોડાઈ લગ્નગ્રંથીથી જોડાયેલા યુગલો કહે છે કે,
આ ગ્રુપ માત્ર મેટ્રિમોનિયલ મંચ નથી ,એ સપોર્ટ સિસ્ટમ પણ છે.
સભ્યો અહીં પોતાના અનુભવ શેર કરે છે, અમે એકબીજાને પ્રોત્સાહન આપીએ છે, આહાર કે ઇન્સ્યુલિન પંપ જેવી ટેક્નોલોજી વિશે માહિતી આપે છે.એક કપલ કહે છે કે,અગાઉ મને લાગતું હતું કે મારી પરિસ્થિતિને કોઈ સમજી નહીં શકે. પણ આ ગ્રુપ થકી મને લાઈફ પાર્ટનર સાથે સપોર્ટર પણ મળ્યો છે.આ ખામી સામે અમે એકલા નથી. આજે અમે આત્મવિશ્વાસથી જીવી રહ્યા છીએ.
આ પણ વાંચો :ચેતજો! રાજકોટમાં BLOના નામે નાગરિકોની રેકી : હું ટીપીનો કર્મચારી, ક્લેક્ટરમાંથી આવું છું…IDકાર્ડ માંગતા જ ચાલતી પકડી
“સુગરલેસ લવકપલ” ધ્વનિ-શ્રુંગાર રુઘાણી માટે સમજ બની પ્રેમનો આધાર

ટાઈપ-1 ડાયાબિટીક મેટ્રિમોનિયલ ગ્રુપમાં જોડાયેલા પ્રથમ કપલ તરીકે શૃંગાર રુઘાણી અને તેમની બેટર હાફ ધ્વનિ પંડ્યા અનેક માટે પ્રેરણાસ્રોત બની ગયા છે. બન્ને કહે છે ,અમારા લગ્નમાં અમે અમારી ઉણપને વધુ સારી રીતે સમજી શકીએ છીએ, એ જ અમારો પ્રેમ અને સમર્પણ છે.શૃંગાર કહે છે કે,જ્યારે તેમના લગ્નની ચર્ચા ઘરમાં ચાલી રહી હતી, ત્યારે શરૂઆતમાં સંબંધીઓએ પરંપરાગત રીતે જ્ઞાતિમાં સંબંધ જોવાનું શરૂ કર્યું હતું. એ દરમિયાન તેમના પિતાના મિત્ર દ્વારા જેડીએફ (જુવનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન) પરિવારની સભ્ય ધ્વનિ પંડ્યા વિશે જાણ થઈ.થોડી ચર્ચા બાદ બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ અને ત્યાંથી જ એક સમજૂતીભર્યો સંબંધ શરૂ થયો.અમારી વચ્ચે પ્રથમ વાતથી જ લાગ્યું કે આપણે એકબીજાને શબ્દો કરતા પણ વધુ સારી રીતે સમજ શકીશું,બન્નેના લગ્ન સમયે તેમણે એક અનોખી થીમ પસંદ કરી “સુગરલેસ લવકપલ”તેમણે પોતાના પ્રી-વેડિંગ સોન્ગમાં પણ આ થીમને જીવંત કરી, જેમાં જીવનની મીઠાશ ડાયાબિટીસથી નહીં પરંતુ સમજ અને સાથથી કેવી રીતે આવે છે એ દર્શાવાયું હતું.આ કપલની કહાની બતાવે છે કે પ્રેમમાં સૌથી મોટો આધાર સમજ અને સ્વીકાર છે.જ્યારે બે વ્યક્તિઓ એકબીજાની સ્થિતિને સમજે છે, ત્યારે ડાયાબિટીસ જેવી પરિસ્થિતિ પણ પ્રેમના માર્ગમાં અવરોધ બની શકતી નથી.
આ પણ વાંચો :‘નીતીશ મુખ્યમંત્રી હતા, છે અને રહેશે…’ JDUએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, પછી ડિલીટ કરતાં રાજકીય વર્તુળોમાં હલચલ
પરસ્પર વિશ્વાસ અને પ્રેમ જોડાય છે, ત્યારે ડાયાબિટીસ જીવનની મીઠાશને ઓછું કરી શકે નહીં:હેમાંગી અને વ્રજ

ટાઈપ-1 ડાયાબિટીક મેટ્રિમોનિયલ ગ્રુપમાં જોડાયેલી હેમાંગી અને વ્રજ ચોકસીની કહાની સમાજ માટે સંદેશ આપે છે કે સાચો સંબંધ સમજથી બંધાય છે.હેમાંગી કહે છે કે,મારી બીમારી વિશે મારા મમ્મી-પપ્પા ખૂબ સમજદાર હતા. તેમણે કહ્યું કે, ‘અમારી દીકરી કરતા તેની ખામીને સમજી ને તેની કાળજી લઈ શકે તેવો પરિવાર વધુ મહત્વનો છે.એ દરમિયાન હેમાંગીએ પોતાની બાયોડેટા જેડીએફ મેટ્રિમોનિયલ ગ્રુપમાં શેર કર્યો.ત્યાંથી જ વ્રજ ચોકસી સાથે પરિચય થયો અને ધીમે ધીમે તે પરિચય એક વિશ્વાસભર્યા સંબંધમાં ફેરાયો.હેમાંગી કહે છે ,વ્રજ મારી સ્થિતિને સમજે છે, દૈનિક જીવનમાં મારી તકેદારીની કાળજી લે છે, અને હું પણ તેમની માટે એ જ કરું છું. આજે અમે બંને એકબીજાની કેર કરીએ છીએ.તેમની કહાની માત્ર એક લગ્નની વાત નથી —એ એવાં પરિવારો માટે ઉદાહરણ છે જે હજુ પણ બીમારીને સંબંધમાં અવરોધ માને છે.હેમાંગી અને વ્રજ બતાવે છે કે જ્યારે માતા-પિતાની સમજ, પરસ્પર વિશ્વાસ અને પ્રેમ જોડાય છે, ત્યારે ડાયાબિટીસ જેવી પરિસ્થિતિ પણ જીવનની મીઠાશને ઓછું કરી શકતી નથી.
