જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લામાં કોન્ટ્રાકટરના પાપે રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત : લાલીયાવાડીને કારણે પ્રજાનો મરો
વાજબીભાવના પરવાનેદારોની રાજ્યવ્યાપી હડતાળને કારણે રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થાની ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કોન્ટ્રાકટરોને પાપે દુકાન સુધી ઘઉં-ચોખા સહિતનો જથ્થો પહોંચ્યો ન હોવાથી રેશનકાર્ડ ધારકોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળનું અનાજ નવેમ્બર માસના 12 દિવસ વીતવા છતાં મળ્યું ન હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસીએશને આરોપ લગાવતા કહ્યું હતું કે, રાજ્યમાં માર્ચ માસમાં કોન્ટ્રાકટ પૂર્ણ થવા છતાં નવા કોન્ટ્રાકટ આપવામાં આવ્યા ન હોવાથી છેલ્લે તો રેશનકાર્ડ ધારકોને સહન કરવાનો વારો આવ્યો છે.
ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસીએશનના મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમની સતત લાલિયા વાડી ચાલતી રહી છે આ નિગમ સાથે જોડાયેલી વિવિધ એજન્સીઝ તથા અધિકારીઓની સાંઠગાંઠ પણ ચરણ સિમાએ પહોંચી છે, ગત માર્ચ માસમાં પૂર્ણ થયેલા કોન્ટ્રાક્ટસ હજુ પણ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવે છે. ચાલુ માસમાં જુનાગઢ તથા ગીર સોમનાથ જીલ્લાના દુકાનદાર ભાઈઓ તથા રેશનકાર્ડ ધારકો મોઢું વકાસીને બેઠા છે. આજે બાર તારીખ વીતવા છતા આ બન્ને જીલ્લા સહીત રાજ્યના અનેક તાલૂકાઓમાં ગરીબોનું અનાજ પહોંચ્યુ નથી. દર માસે કૂંડલીમા ગોળ ભાંગી લેતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સને વાંકુ પડતા વાજબી ભાવના દુકાનદાર ભાઈઓ તથા ગરીબ જરૂરિયાતમંદ રેશનકાર્ડ ધારકોની ખો નીકળી રહી છે.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, વિવિધ એજન્સીના કોન્ટ્રાક્ટર્સની તાનાશાહી સામે નિગમ પાસે વૈકલ્પિક વ્યવસ્થા હોતી નથી અથવા તો કરવામાં આવતી નથી પરિણામે ગરીબ પ્રજાને ટળવળવાનો વારો આવે છે એક તો જથ્થો સમયસર દુકાને પહોંચતો નથી અને બદલમાં સર્વર ડાઉન ડાન્સ ચાલુ થતા હોવાથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાની હાંસી ઉડી રહી છે.રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ ગરીબ અને જરૂરિયાત મંદ લાભાર્થીઓને દર મહિનાની પહેલી તારીખથી અનાજ મળવાપાત્ર હોવા છતાં અને રાજ્યના પુરવઠા નિગમ દ્વારા અનાજ વિતરણની 45 દિવસની સાયકલમાં પણ એક પણ દુકાનેથી પહેલી તારીખે અનાજનું વિતરણ થઈ શકતું નથી. જે તંત્રની મોટી નિષ્ફળતા છે કરોડો રુપીયાનુ આંધણ પીડીએસ સિસ્ટમ પાછળ કરવામા આવતુ હોવા છતા દર મહિને લાલીયાવાડી ચાલતી જ રહે છે અને અધિકારીઓ કોન્ટ્રાક્ટર પાસે દબાઈ ગયા હોવાથી પગલાં પણ લઈ શકતા ન હોવાનો આરોપ તેમને લગાવ્યો હતો.
