Red Fort Blast Case: દિલ્હી વિસ્ફોટના 11 દિવસ પહેલા કાર ખરીદી ડૉ. ઉમર રજા ઉપર ઉતરી ગયો, તપાસમાં થયા મોટા ખુલાસા
દિલ્હીના રેડફોર્ટ પાસે થયેલા વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલી હ્યુન્ડાઇ **i20 કાર આત્મઘાતી બોમ્બર ડોક્ટર ઉંમર નબીએ હુમલાના 11 દિવસ પહેલા 29 ઓક્ટોબરે ખરીદી હોવાનું તપાસમાં ખુલ્યું છે. તેની ખરીદી કર્યા બાદ ડોક્ટર ઉંમર રજા ઉપર ઉતરી ગયો હતો એટલું જ નહીં તેણે તેના તમામ પાંચ મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ કરી દીધા હતા.
તપાસમા ખુલ્યા મુજબ વિસ્ફોટ પહેલાં કાર ઘણા હાથોમાં ગઈ હતી અને અંતે તે પુલવામાના તારીક નામના વ્યક્તિને વેચવામાં આવી હતી. ખરીદી અને રિસેલ દરમિયાન ફેક દસ્તાવેજોનો ઉપયોગ કરાયો હતો અને એ તપાસ દરમિયાન તેમાં જમ્મુ કાશ્મીર-કનેક્શન સામે આવ્યું હતું.
સૂત્રો મુજબ, આ કાર 29 ઑક્ટોબરે ખરીદવામાં આવી હતી અને તાત્કાલિક પૉલ્યુશન સર્ટિફિકેટ માટે લઈ જવામાં આવી હતી. ત્યારબાદ કાર યુનિવર્સિટી કેમ્પસમાં 10 નવેમ્બર સુધી પાર્ક રાખવામાં આવી. સી.સી.ટી.વી. ફૂટેજમાં ત્રણ લોકો કાર સાથે દેખાયા હતાં. 10 નવેમ્બરના સવારમાં ડૉ. ઉમર સ્વયં કાર ચલાવી દિલ્હીની દિશામાં નીકળતા દેખાયા હતાં.
સૂત્રોનું કહેવું છે કે ડૉ. ઉમર, ડૉ. મુઝમ્મિલ અહમદ ગણાઇ અને ડૉ. શાહીન શાહિદ એ ત્રણે 9 થી 10 સભ્યોની જૈશ-એ-મોહમ્મદ ની ટેરર લોજિસ્ટિક્સ મૉડ્યૂલના ભાગ હતાં. તેમાં પાંચથી છ સભ્યો ડૉક્ટર હતાં. એમણે પોતાની પ્રોફેશનલ ઓળખનો દુરુપયોગ કરીને કેમિકલ્સ અને વિસ્ફોટક સામગ્રી મેળવવામાં, બૉમ્બ એસેમ્બલ કરવા અને લોજિસ્ટિક્સ સંકલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
9 નવેમ્બરે 2,900 કિલો એમોનિયમ નાઇટ્રેટ મળ્યા બાદના દરોડા પછી ડૉ. ઉમર ગાયબ થયા હતાં. તેઓએ પોતાના પાંચ મોબાઇલ ફોન બંધ કરી દીધા અને 30 ઑક્ટોબર પછી યુનિવર્સિટીમાં ગેરહાજર હતા. તેમની છેલ્લી હાજરી ધૌજ ગામ પાસે હોવાનું માનવામાં આવે છે. દરમિયાન દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં હવે સતર્કતા વધારાઈ છે. સુરક્ષા એજન્સીઓએ સહારનપુરથી લઈ નેપાળ બોર્ડર સુધી ચેકિંગ અને દરોડા તેજ કર્યા છે.
લેડી ડૉક્ટર શાહીનની અગ્ર ભૂમિકા: ભાઈની પણ અટકાયત
ફરીદાબાદમાંથી ધરપકડ કરાયેલી ડૉ. શાહીન શાહિદ ટેરર મૉડ્યૂલની મુખ્ય સક્રિય સભ્ય તરીકે સામે આવી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ શાહીનને ભારતમાં જૈશની મહિલાઓની શાખા “જમાત-ઉલ-મોમીનીન” – ઉભી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેની ધરપકડ બાદ લખનૌના લાલબાગમાં આવેલા તેના કુટુંબના મકાન પર ઉત્તરપ્રદેશ એ.ટી.એસ., જમ્મુ-કાશ્મીર પોલીસ અને સ્થાનિક એજન્સીઓએ સંયુક્ત દરોડા પાડ્યા હતા. ત્યાંથી હાર્ડડિસ્ક, દસ્તાવેજો અને મોબાઇલ ફોનો જપ્ત કરાયા હતા. તેના ભાઈ ડૉ. પરવેઝ અન્સારી, જે ઇન્ટિગ્રલ મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડન્ટ તરીકે કામ કરતા હતાં, તેમને પણ પૂછપરછ માટે અટકાવવામાં આવ્યા છે. તેમણે 7 નવેમ્બરે રાજીનામું મોકલ્યું હતું.
ગભરાઈ જવાને કારણે ભૂલથી આકસ્મિક વિસ્ફોટ થયાની સંભાવના
ટોચના ગુપ્તચર સૂત્રોએ એક પ્રસાર માધ્ય્મને જણાવ્યા મુજબ હતું કે વિસ્ફોટ સ્થળના પ્રારંભિક મૂલ્યાંકનમાં વિસ્ફોટકો લઈ જતી વખતે ભૂલને કારણે આકસ્મિક વિસ્ફોટ થયો હોવાની સંભાવના તેજ બની છે. એ સામગ્રીના સ્થળાંતર અથવા તો તેનો નિકાલ કરવાના પ્રયત્નમાં વિસ્ફોટ થયો હોઈ શકે તેવું તપાસનીશ અધિકારીઓનું માનવું છે.સૂત્રોના માનવા મુજબ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ **(IED)ને અયોગ્ય રીતે એસેમ્બલ કર્યું હોય તેવું લાગે છે, જેના કારણે **IED ની મર્યાદિત અસર થઈ હતી.વધુ પુરાવાઓ આકસ્મિક વિસ્ફોટ તરફ ઈશારો કરે છે કારણ કે ત્યાં કોઈ બ્લાસ્ટ ક્રેટર નહોતું અને સ્થળ પર કોઈ પ્રોજેક્ટાઇલનો અભાવ હતો. તપાસકર્તાઓ માને છે કે શંકાસ્પદો, ગભરાટમાં, મહત્તમ નુકસાન માટે **IED ને હથિયાર બનાવી શક્યા નહીં. અન્યથા વિસ્ફોટ વધુ ભયંકર સાબિત થયો હોત.
સામાજિક અને સખાવતી કાર્યોની આડમાં મંડળ એકત્ર કરાતું.
સમગ્ર દેશને હચમચાવી મૂકનાર વિસ્ફોટ કેસની તપાસમાં તબીબી વ્યાવસાયિકોના એક ઉચ્ચ શિક્ષિત જૂથની સંડોવણી બહાર આવી છે, જેમાંથી ઘણા ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં કાર્યરત હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસે આ નેટવર્કને “વ્હાઇટ કોલર ટેરર ઇકોસિસ્ટમ” તરીકે ઓળખાવ્યું છે. એક અધિકારીના જણાવ્યા મુજબ આ જૂથ શિક્ષણ, સંકલન, ભંડોળની હિલચાલ અને લોજિસ્ટિક્સ માટે એન્ક્રિપ્ટેડ ચેનલોનો ઉપયોગ કરી રહ્યું છે. સામાજિક/સખાવતી કાર્યોની આડમાં વ્યાવસાયિક અને શૈક્ષણિક નેટવર્ક દ્વારા ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. આરોપીઓ, આતંકવાદી પ્રવૃત્તિમાં ભરતી કરવા માટે સંભવિત લોકોને ઓળખવામાં, કટ્ટરપંથી બનાવવા, તેમને આતંકવાદી રેન્કમાં ભરતી કરવામાં, ભંડોળ એકત્ર કરવા, લોજિસ્ટિક્સની વ્યવસ્થા કરવા, શસ્ત્રો,દારૂગોળો અને **IED તૈયાર કરવા માટેની સામગ્રી મેળવવામાં સામેલ હતા.
