આજે કોંગ્રેસની “કિસાન આક્રોશ યાત્રા”રાજકોટમાં : જંગી સભા યોજાશે,ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની માંગણી
કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ સાથે સોમનાથથી શરૂ કરાયેલી કિસાન આક્રોશ યાત્રા સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં ટ્રેક્ટર રેલી સ્વરૂપે આગળ વધી રહી છે અને મંગળવારે આ યાત્રા રાજકોટ જિલ્લામાં પ્રવેશ કરશે.
આ યાત્રાનું મંગળવારે સવારે 10:30વાગ્યે બેડી ચોકડીએ સ્વાગત થયા બાદ માધાપર ચોકડી, અયોધ્યા ચોક, શીતલ પાર્ક, નાણાવટી સર્કલ, રૈયાચોકડી, કે.કે.વી.ચોક, આત્મીય કોલેજ, એ.જી. ચોક મોટા મવા થઈને ખીરસરા, દેવડા, છાપરા અને આણંદપર થઈને કાલાવડ તરફ રવાના થશે. આ પૂર્વે એક સભા પણ યોજાશે.
રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોના નુકસાનને 10 હજાર કરોડની સહાય જાહેર કરી છે, પરંતુ આ સહાય ખેડૂતો માટે મજાક સમાન હોવાનું ગુજરાત કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું છે.
ખેડૂતોની વાસ્તવિક વ્યથા – “સરકારની સહાય માત્ર બે થેલી ખાતર જેટલી” : યાત્રાના રૂટમાં આવતા ગામડાઓમાં કોંગ્રેસના આગેવાનો ખેતરોમાં જઈ ખેડૂતો સાથે સીધી મુલાકાત કરી રહ્યા છે.ખેડૂતોની વેદના સાંભળતાં જણાય છે કે સરકારે જાહેર કરેલી સહાય અસમાન અને અપૂરી છે. ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર ખરેખર ખેડૂતોના હિતની વાત કરે છે તો સહાય નહીં, પરંતુ ખેડૂતોનું દેવું માફ કરે, ત્યારે જ ખરા અર્થમાં રાહત મળશે.
કોંગ્રેસના નેતાઓએ સરકારની સહાયને “ખેડૂતોની મજાક” ગણાવી છે.કોંગ્રેસે જણાવ્યું કે છેલ્લા અઠવાડિયામાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ ચાર ખેડૂતો આપઘાત કરી ચૂક્યા છે જે સરકારની ખોટી નીતિઓનું સીધુ પરિણામ છે.
આ સમગ્ર ખેડૂત આક્રોશ યાત્રામા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલાજી દેસાઈ, ખેડૂત નેતા પાલ આંબલીયા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, લલિત કગથરા સહિતના નેતાઓએ શરૂઆતથી મુખ્ય જવાબદારીઓ સાથે દિવસ રાત એક કરીને મહેનત કરી રહ્યા છે.
