2.96 કરોડની વ્હેલ માછલીની ઉલટી સાથે બેન્ક કર્મચારી સહિત ત્રણ પકડાયા : રાજકોટ પોલીસે ડમી ગ્રાહક બની દબોચ્યા
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી દૂર્લભ પ્રાણી ઉપરાંત વ્હેલ માછલીની ઉલટી કે જેને એમ્બરગ્રીસ તરીકે ઓળખવામાં આવે છે તેનું વેચાણ કરવાના પ્રયત્ન વધી ગયા હોય પોલીસે આ દિશામાં સાબદી બની એક બાદ એક દરોડા પાડ્યા છે ત્યારે આવા જ વ્હેલ માછલીની ઉલટીના જથ્થા સાથે બેન્ક કર્મચારી સહિત ત્રણ શખસોને દબોચી લઈ 2.97 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા સહિતની ટીમે શાસ્ત્રી મેદાન પાસેથી મુળ સુરેન્દ્રનગરના નરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.51), પરેશ ચંદ્રકાંતભાઈ શાહ અને આશિષ સુરેશભાઈ ભટ્ટ (ઉ.વ.48)ને 2.96 કરોડની કિંમતની વ્હેલ માછલીની ઉલટી સાથે પકડ્યા હતા.
તપાસમાં ખુલ્યા પ્રમાણે નરેન્દ્રસિંહ અને પરેશ શાહને ટૂંકા ગાળામાં `અમીર’ બની જવું હોય વ્હેલ માછલીની ઉલટી વેચવાનું સૂઝ્યું હતું. આ પછી બન્નેએ આ ઉલટી ક્યાં મળશે તેની તપાસ શરૂ કરતા સરધારમાં છેડો મળી ગયો હતો ત્યાંના શખસ પાસેથી ત્રણેય વ્હેલ માછલીની ઉલટી લઈ આવ્યા હતા. આ પછી વેચવાનું નક્કી કર્યું હતું પરંતુ તે પહેલાં ત્રણેય પોલીસના `રડાર’માં આવી જતા પોલીસે જ નકલી ગ્રાહક બનીને વોચ ગોઠવી હતી. ત્રણેય સાથે પોલીસ દ્વારા વાતચીત કરાયા બાદ રાજકોટ સુધી વ્હેલ માછલીની ઉલટીનો જથ્થો પહોંચાડવાનું નક્કી થયું હતું. ત્યારબાદ ત્રણેય રાજકોટ આવ્યા હતા અને શાસ્ત્રી મેદાન સામે કે-રોઝ હોટલ પાસે ઉભા રહ્યા હતા.
જો કે પોલીસ અગાઉથી જ ત્યાં ગોઠવાઈ ગઈ હોય ત્રણેયને દબોચી લીધા હતા. પકડાયેલા ત્રણ પૈકી આશિષ સુરેશભાઈ ભટ્ટ આઈસીઆઈસીઆઈ બેન્કમાં નોકરી કરતો હોવાનું ખુલ્યું હતું જ્યારે નરેન્દ્રસિંહ અને પરેશ શાહ નિવૃત્ત છે. ત્રણેયની ધરપકડ કર્યા બાદ વનવિભાગને સોંપવામાં આવતા હવે આગળની કાર્યવાહી વનવિભાગ દ્વારા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં એસઓજીએ બાબરાના શખસને રાજકોટમાંથી 47 લાખથી વધુની કિંમતના એમ્બરગ્રીસ સાથે પકડ્યા બાદ આ બીજો દરોડો પાડ્યો હતો.
