મહિસાગરના મહિલા કોન્સ્ટેબલને PI સાથે પ્રેમસંબંધ ભારે પડ્યો! પરિણીત PI સાથે વારંવાર પકડાઈ જતા કરાયા સસ્પેન્ડ
પોલીસ એ ડિસિપ્લીન ફોર્સ ગણાય છે અને અહીં શિસ્તનો ચુસ્ત આગ્રહ કોન્સ્ટેબલથી લઈ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસવડા અને ખુદ રાજ્ય પોલીસવડા રાખતા હોય છે. જો કે અનેક વખત એવું બન્યું છે જ્યારે પોલીસ વિભાગમાં જ અંદરોઅંદર ઝઘડા ઉપરાંત પ્રેમપ્રકરણ ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર આવી જતા હોય સસ્પેન્ડ થવાનો સમય આવે છે. આવું જ એક પ્રેમ પ્રકરણ મહિલા કોન્સ્ટેબલ અને પીઆઈ વચ્ચે ખૂબ ગાજ્યા બાદ આખરે કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઘટના મહિસાગર જિલ્લાના કોઠંબા પોલીસ મથકની છે. જ્યાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મનિષાબેન કાંતિભાઈ પરમાર કે જેઓ કોઠંબા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન પીઆઈ વી.આર.સોનારા સાથે પ્રેમ સંબંધમાં બંધાયા હતા. આ અંગે ઉચ્ચ અધિકારીઓએ વોચ ગોઠવી હતી જેમાં બન્નેનું ઈલુ ઈલુ ધ્યાન પર આવી જતાં ફરજમાં ગંભીર ગેરવર્તણુક બદલ કોન્સ્ટેબલ મનિષાબેન કાંતિભાઈ પરમારને સસ્પેન્ડ કરવાનો હુકમ જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા કરવામાં આવ્યો હતો.
સસ્પેન્શન લેટરમાં જણાવ્યા પ્રમાણે જો મનિષાબેનને ફરજ પર ચાલું રાખવામાં આવે તો સત્તાનો દુરુપયોગ કરી તેઓ સાક્ષી અને પૂરાવાનો નાશ કરે તેમ હોય તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેમને મહિસાગર પોલીસ હેડ ક્વાર્ટર નહીં છોડવા અને જો છોડવાનું થાય તો મંજૂરી લીધા બાદ જવાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો. એકંદરે આ પ્રકરણ આખા ગુજરાતમાં ગાજ્યું હોય અન્ય શહેર-જિલ્લાની પોલીસમાં પણ આખો દિવસ તેની ચર્ચા ચાલી હતી.
