ધ્યાન ક્યાં હશે ? રાજકોટમાં વૃદ્ધાએ કચરા સાથે 60,000 રોકડા ફેંકી દીધા ! પછી થયું એવું કે જાણીને ચોંકી જશો
રાજકોટમાં અત્યારે કચરો એકઠો કરવા માટે ઘેર-ઘેર ટીપરવાન જઈ રહી છે ત્યારે લોકો માથું ખંજવાળવા માટે મજબૂર બનવું પડે તેવી એક ઘટના બની હતી. વૃદ્ધાએ કચરાની સાથે જ ટીપરવાનમાં 60,000 રૂપિયા રોકડનું બંડલ પણ ફેંકી દેતા થોડો સમય પરિવારમાં ભાગદોડ થઈ પડી હતી. જો કે ટીપરવાનના ઈમાનદાર સ્ટાફે પૈસા પરત અપાવતા સૌના શ્વાસ હેઠા બેઠા હતા સાથે સાથે સ્ટાફની ઈમાનદારીની પણ પ્રશંસા થઈ હતી.
શનિવારે રૈયા ટ્રાન્સફર સ્ટેશનની ટીપર વાન કે જે વોર્ડ નં.2ના બજરંગવાડી વિસ્તારમાં એક ઘેર કચરો એકઠો કરવા માટે ગઈ હતી. જીજે3બીએક્સ-6946 નંબરની આ વાનમાં વૃદ્ધાએ ભૂલથી 60,000ની રોકડ પણ નાખી દીધી હતી. મકાન માલિક અલ્તાફભાઈને આ અંગેની જાણ થતાં તેમણે તુરંત જ રૈયા ટ્રાન્સફર સ્ટેશનનો સંપર્ક કર્યો હતો જેથી સ્ટેશન પરહાજર સ્ટાફે તાત્કાલિક ટીપરવાન રોકાવી તપાસ કરતા રોકડ મળી આવી હતી. એકંદરે ટીપર વાનના ડ્રાઈવર સુખરામ વસુનીયા તેમજ હેલ્પર ધીરૂભાઈ વાણિયાએ કચરો ફિંદી રોકડ શોધી કાઢી આપી હતી અને પરત કર્યા હતા. આ કાર્યની મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ નોંધ લઈ ડ્રાઈવર તેમજ હેલ્પરનું સન્માન કર્યું હતું.
