રાજકોટ જિલ્લામાં સર્વે પૂરો : 4.30 લાખ હેકટરમાં પાકને નુકશાન, મગફળી, કપાસ અને સોયાબીન સહિતના પાકનો સફાયો

દિવાળી બાદ રાજકોટ સહિત રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. ખેડૂતોના ખેતરમાં ઉભેલા કપાસના પાકને વ્યાપક નુકશાન જવાની સાથે જ મગફળી, સોયાબીનના તૈયાર પાકનો સફાયો થયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ત્રણ દિવસમાં ખેતીને થયેલ નુકશાની અંગે સર્વે કરવા આદેશ કરતા રાજકોટ જિલ્લામાં ખેતીવાડી વિભાગે 102 ટીમો મારફતે 652 ગામોમાં સર્વે કરાવતા 4,36,594 હેકટર જમીનમાં ઉભેલા પાક અસરગ્રસ્ત થયા હોવાનું અને તે પૈકી 4.30 લાખ હેકટર જમીનમાં પાકને નુકશાન થયું હોવાનો રિપોર્ટ સરકારમાં મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઓક્ટોબર માસના અંતભાગમાં અને નવેમ્બરના શરૂઆતના સમયે સતત પાંચથી છ દિવસ સુધી રાજકોટ સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની હાલત દયનિય બની છે. તૈયાર ખરીફ પાકની લણણી સમયે જ કમોસમી વરસાદ વેરી બનતા રાજકોટ જિલ્લામાં ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે. ખેડૂતોના ખેતરમાં તૈયાર પડેલી મગફળી સડી જવાની સાથે કપાસના ઉભા પાકમાં પણ નુકશાન થતા રાજ્ય સરકારના આદેશ બાદ ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં ખેડૂતોને થયેલ નુકશાની સર્વે માટે ગ્રામસેવકો અને તલાટીની 102 ટીમોને મેદાને ઉતારી કુલ 500 થી વધુ કર્મચારીઓ મારફતે જિલ્લાના તમામ ગામમાં સર્વે કરાવ્યો હતો.

દરમિયાન સોમવારે સાંજ સુધીમાં રાજકોટ જિલ્લાના કુલ 652 ગામોમાં ખેતીવાડીને થયેલ નુકશાન મામલે સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો હતો. ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ અગાઉ સાત દિવસમાં સર્વે પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી દ્વારા ત્રણ જ દિવસમાં સર્વે પૂર્ણ કરવા આદેશ કરવામાં આવતા સર્વે ટીમમાં 30 ટીમનો વધારો કરી કુલ 102 ટીમ મારફતે સર્વે કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં કુલ 4,36,594 હેકટર જમીનમાં ઉભેલા પાક અસરગ્રસ્ત થઇ હોવાનું અને 4.30 લાખ હેકટર જમીનમાં પાકને નુકશાન થયું હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેના આંકડા સરકારને મોકલી આપવામાં આવ્યા છે જેથી એકાદ બે દિવસમાં જ સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.
