વર્લ્ડકપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા પર થશે પૈસાનો વરસાદ: BCCI અને ICC તરફથી મળશે આટલા કરોડનું ઈનામ
મહિલા ક્રિકેટમાં દુનિયાને એક નવો ચેમ્પિયન મળ્યો છે. રવિવારે રમાયેલા ફાઈનલ મુકાબલામાં ભારતીય મહિલા ટીમે સાઉથ આફ્રિકાને 52 રને હરાવી વન-ડે વર્લ્ડકપ જીત્યો હતો. ટીમ ઈન્ડિયા પહેલીવાર વિશ્વ વિજેતા બની હતી. તેના ચેમ્પિયન બનતાની સાથે જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ એક મોટી જાહેરાત કરી હતી. બોર્ડે ભારતીય મહિલા ટીમ અને કોચિંગ સ્ટાફને મસમોટું ઈનામ આપવાનું એલાન કર્યું હતું.
બીસીસીઆઈ સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું કે જ્યારથી જય શાહે ક્રિકેટ બોર્ડની કમાન સંભાળી હતી ત્યારથી તેમણે મહિલા ક્રિકેટમાં અનેક ફેરફાર કર્યા હતા. મહિલા અને પુરુષ એમ બન્નેનો પગાર સમાન હોય તે દિશામાં ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. પાછલા મહિને આઈસીસી ચેરમેન જય શાહે મહિલાઓને ઈનામની રકમમાં 300%નો વધારો કર્યો હતો. પહેલાં આ પુરસ્કાર રકમ 2.88 મિલિયન ડોલર હતી જેને વધારીને 14 મિલિયન ડોલર કરી છે. આ પગલાંથી મહિલા ક્રિકેટને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું હતું.
સૈકિયાએ કહ્યું કે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ તેમજ કોચ અને સપોર્ટિંગ સ્ટાફ માટે 51 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. આ ઉપરાંત વર્લ્ડ કપ જીત્યા બાદ આઈસીસી તરફથી ટીમ ઈન્ડિયાને 41.77 કરોડ રૂપિયા મળશે. જ્યારે આફ્રિકાને 21.88 કરોડનું ઈનામ મળશે. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયાને 11.95 કરોડ, ઈંગ્લેન્ડને 11.95 કરોડ, શ્રીલંકાને 7.8 કરોડ, ન્યુઝીલેન્ડને 7.8 કરોડ, બાંગ્લાદેશને 4.5 કરોડ અને પાકિસ્તાનને 4.5 કરોડ રૂપિયા ઈનામ પેટે મળશે.
