એસ.ટી બસમાં મોટા અવાજે મોબાઈલ પર વાત કરનારા ચેતજો! મુસાફરો સામે લેવાશે પગલાં, 16 ડિવિઝનલ મેનેજરને અપાઈ સુચના
એસ.ટી. બસમાં હવે મોટે મોટેથી મોબાઈલમાં વાત કરનારા લોકોએ ચેતવું પડશે કારણ કે એસ.ટી.નિગમે હવે બસના ડ્રાઈવર અને કંડકટરને જરૂરી સુચના આપી છે અને આવા મોબાઈલધારકને ટોકવા જણાવ્યુ છે. આવા મુસાફરો સામે પગલાં પણ લઈ શકાય છે.
આપણે ત્યાં કોઈ પાસે મોબાઈલ ફોન હોવો એ સામાન્ય બાબત થઇ ગઈ છે અને લગભગ દરેક નાગરિક પાસે આ સુવિધા આવી ગઈ છે. ઘણા પાસે તો એક થી વધુ મોબાઈલ હોય છે પરંતુ આવા મોબાઈલનો ઉપયોગ કરવા માટે પણ એક પ્રકારની વણલખેલી સમજ હોય છે જે ઘણા લોકોમાં નથી હોતી.ઘણા લોકો સ્થળ કે સમયનું ભાન રાખ્યા વગર પોતાના મોબાઈલમાં મોટે મોટેથી વાત કરતા હોય છે. ખાસ કરીને બસ, ટ્રેન, થીયેટર કે કોમ્યુનિટી હોલમાં ઘણા લોકો આજુબાજુનાની પ્રાઈવસી ભૂલી જઈને ફોનમાં રીતસર બરાડા પાડતા હોય છે. ખાસ કરીને એસ.ટી.ની એ.સી.બસમાં સામાન્ય રીતે લોકો શાંતિપૂર્ણ મુસાફરી માટે બેસતા હોય છે પણ આવા નાસમજ લોકો આવી શાંતિનો ભંગ કરીને મોટે મોટેથી ગમે તે વિષય ઉપર વાત કરતા હોય છે. આવા લોકોને કોઈ ટપારે તો તેની સાથે ઝગડો પણ કરતા હોય છે.
આવા લોકો સામે કાર્યવાહી કરવા માટે રાજકોટના સંજીવ જાની નામના જાગૃત નાગરિકે ડીસેમ્બર-૨૪માં અને જુન-૨૦૨૫માં એસ.ટી.નિગમના જનરલ મેનેજર સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં સંજીવ જાનીને પોતાને એસી ઇલેક્ટ્રિક બસમાં જે અનુભવ થયો હતો તે વર્ણવ્યો હતો અને મોટે મોટેથી મોબાઈલમાં વાત કરી રહેલા મુસાફરો સામે કાર્યવાહી કરવા માટે અનુરોધ કર્યો હતો.
સંજીવ જાની ભારત સરકારના અનુભવી અધિકારી છે, હાલ કસ્ટમ્સ અને સી.જી.એસ.ટી. વિભાગમાં સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે ત્રીસ વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ હાંસલ કર્યો છે, જેમાં ઑડિટ, પ્રિવેન્ટિવ ઓપરેશન, એડજ્યુડિકેશન અને પ્રશાસન જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે તેઓને અનેક પ્રશંસાપત્રો અને રોકડ પુરસ્કારો પ્રાપ્ત થયા છે. અધિકારી તરીકેની ફરજ ઉપરાંત, તેઓ સામાજિક સુધારક અને ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર તરીકે પણ જાણીતા છે, જે નૈતિકતા, જાહેર જાગૃતિ અને સરકારી ક્ષેત્રમાં વર્તન પરિવર્તનને પ્રોત્સાહિત કરવા માટે કાર્યરત છે.
આ રજૂઆતને અંતે ગંભીર ગણીને એસ.ટી.નિગમે એક પરિપત્ર ઇસ્યુ કર્યો છે અને તે રાજ્યના રાજકોટ સહિતના તમામ ડિવિઝનમાં મોકલી આપ્યો છે. આ પરિપત્રમાં જણાવાયા અનુસાર, એસ.ટી.નિગમ રોજ ૩૭,૦૦૦ બસનું સંચાલન કરે છે અને ૨૭ લાખ મુસાફરોની સેવાનો લાભ આપે છે. એસ.ટી. મુસાફરોને શાંત, સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ સેવા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે પરંતુ કેટલાંક મુસાફરો મોટેમોટેથી મોબાઈલમાં વાત કરીને અન્યને અડચણ અને ખલેલ પહોંચાડતા હોય છે. આ કારણોસર ઝગડા અને મતભેદ પણ ઉભા થાય છે. આથી બસના કૃ મેમ્બર હવેથી આવા મુસાફરોને જરૂરી સુચના આપીને મોબાઈલમાં વાત કરતી વખતે હેડફોન વાપરવા અને ફોનને સાયલન્ટ મોડ ઉપર રાખવા જણાવશે. આ સુચના નહી માનનાર સામે અન્ય કાર્યવાહી પણ થઇ શકે છે.
મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા બીજાં રાજ્યોમાં આ નિયમ અમલમાં છે. અને હવે ગુજરાતમાં આ નિયમ લાગુ પડી રહ્યો છે. રાજકોટ માટે ગર્વ લેવાની વાત છે કે અહીના ચળવળકારી જાગૃત નાગરિકે આ શરૂઆત કરાવી છે.
