રાજકોટમાં બે નામીચા જૂથ વચ્ચેની વૉર વકરી: વધુ એક વખત ધાણીફૂટ ફાયરિંગ થતાં દહેશતનો માહોલ, પોલીસ હવે કડક બનશે?
રાજકોટ શહેરમાં પોલીસનું અસ્તિત્વ જાણે હવે સામાન્યજન માટે હોય અથવા તો ગુનેગારો, લુખ્ખાતત્ત્વો બેલગામ બન્યા હોય તેવી વધુ એક ઘટનામાં બે નામીચા જૂથ વચ્ચે ચાલતી વોરમાં ફરી ગત રાત્રે ધમાસાણ થયું હતું. મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ નજીક જ સરાજાહેર ધાણીફ્ટ ગોળીબાર થતાં દહેશતનો માહોલ ફેલાયો હતો.
સવારથી દોડધામમાં પડેલી પોલીસે ફાયરીંગ કરનાર પેંડા ગેંગના સાગરીત પરેશ ગઢવી ગેંગના શખસોની શોધખોળ આદરી છે. ત્રણને સકંજામાં લીધા છે. સામેના જૂથ દ્વારા પણ વળતા ભડાકા કર્યાના આધારે એ દિશામાં પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

જંગલેશ્વર વિસ્તારમાં રહેતી અને અનેક વખત પોલીસ ચોપડે ચઢી ચુકેલી નામચીન મહિલા રમા સંધીના પતિ જાવીદ જુણેજાને બીમારી સબબ મંગળા રોડ પરની પ્રગતિ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ગત બપોરે ડિસ્ચાર્જ કરાયો હતો. ફરી તબીયત લથડતા રાત્રે હોસ્પિટલમાં લવાયો હતો. રમાના પુત્ર સંજલા તથા દોહીત્ર સમીર ઉર્ફે મુરગા સાથે પરેશ ગઢવી અને તેની ગેંગને માથાકૂટ ચાલે છે. પરેશ ગેંગને સંજલો અને સમીર સહિતના હોસ્પિટલે હોવાની ભાળ મળતા આજે રાત્રે ત્રણ વાગ્યા બાદ એક કાર અને ટુ વ્હીલરમાં ધસી આવ્યા હતાં.

હોસ્પિટલ બહાર રોડ પર બેઠેલા રમાના સંજલાના પરિવાર પર ધડાધડ ફાયરીંગ કર્યા હતાં. ફાયરીંગ થતા અફડાતફડી મચી ગઈ હતી. નાસભાગ થઈ પડી હતી. આડેધડ સરાજાહેર થયેલા ભડાકામાં પોલીસને સવારે ખબર પડતા ક્રાઇમ બ્રાંચ, એ-ડિવિઝન, એ.ઓ.જી. સહિતની ટીમોનો કાફલો દોડી ગયો હતો. ફાયર થયેલા ખાલી કાર્ટીસ મળી આવ્યા હતાં. રસ્તા પર નજીકમાં ત્યાં પાર્ક થયેલી એક તબીબની કાર અને હોસ્પિટલમાં પાણી માટેના પડેલા મિની ટેન્કરના કાચના ભાગે પણ ફાયરીંગના નિશાન મળી આવ્યા હતાં.

ઘટના સંદર્ભે સારવારગ્રસ્ત જાવીદ જુણેજાની પુત્રી રૂબીના તૌફીક શમાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, પિતાને દાખલ કર્યા હોવાથી બધા રાત્રે હોસ્પિટલ બહાર બેઠા હતા એવામાં રાત્રે સાડા ત્રણેક વાગ્યે એક કારમાં ત્રણ શખસો અને ટુ વ્હીલરમાં એક વ્યક્તિ ધસી આવ્યા હતાં. આવીને સીધા ધડાધડ ફાયરીંગ કરવા લાગ્યા હતાં. 8 થી 10 રાઉન્ડ ફાયરીંગ કર્યા હતાં. અને ફાયરીંગ સમયે સંજલો કે સમીર ન્હોતા. પુત્ર સુલેમાન અને ભાણેજ સોહિલ હતા. છોકરાવે સામે કુંડા ઉપાડયા હતાં. ફાયરીં ગ કરીને ચારેય શખસો નાસી ગયા હતાં. ફાયરીં ગ કરનારા ભયલો ગઢવી અને તેની સાથે બીજા હતા નું મહિલાએ કથન કર્યું હતું.

જો કે, પોલીસને એવી પણ આંતરિક માહિતી મળી છે કે, જે-તે સમયે ત્યાં સંજલો, સમીર ઉર્ફે મુરગો હતા અને સામેના જૂથ દ્વારા સંજલા, સમીર સાથે ચાલી આવતી માથાકુટમાં રેકી કરીને હોસ્પિટલે હોવાની માહિતી મળતા ભયલે ગઢવી, મેટીયો ઝાલા અને બે શખસો ધસી આવ્યા હતાં. અને ફાયરીંગ કર્યા હતાં. સામે પણ વળતા ફાયરીંગ કરાયા હતા જે બાબતે પોલીસે નજીકના સી.સી.ટી.વી. ચકાસ્યા છે. જેમાં સામા જૂથ દ્વારા પ્રતિકાર વળતો પ્રહાર કરાયાની કડી પોલીસને મળી હોવાનું જાણવા મળે છે.

એ-ડિવિઝન પી.આઈ. બી.વી.બોરીસાગર, પી.એસ.આઈ. એસ.એમ.રાણા, એ.એસ. આઈ. ભરતસિંહ ગોહિલ સહિતના સ્ટાફે ફરિયાદના આધારે કોઠારીયા રોડ પર રહેતા ભયલુ દિનેશભાઈ રાબા, પુનીતનગરના મેટીયો ઝાલા સહિતના સામે ગુનો નોંધ્યો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા ભયલુ તથા મેટીયા ઝાલાને સકંજામાં લેવાયા છે. બંને શખસો સાથે સંકળાયેલા અન્ય આરોપી પણ હાથવેંતમાં હોવાનું પોલીસમાંથી જાણવા મળે છે.

રેકી કરાઇ, કારમાંથી ઉતરેલા શખસ પાસેથી હથિયાર નીચે પડ્યું?
સરાજાહેર ફાયરીંગની સમગ્ર ઘટનાની ચર્ચાતી વિગતો મુજબ ભયલો ગઢવી અને સાગરીતો સામેના જૂથના સુત્રધાર સંજલાની વોચમાં કે રેતી કરતા હતાં. ટુ વ્હીલર દ્વારા હોસ્પિટલ તરફ ચક્કર લગાવી લોધાવાડ ચોક તરફથી આવતી કાર પાછળ આવીને હોસ્પિટલ પાસે ધડાધડ ફાયરીંગ થયા હતાં. કહેવા કે ચર્ચાતી વિગતો મુજબ કારમાં સંજલો હોવાની આરોપીઓને ગંધ હશે. કારમાંથી ઉતરેલા શખસે ભાગવા જતાં પડી ગયો હતો અને તેની પાસે રહેલું હથિયાર નીચે પડી ગયું હતું. સંજલો કે સમીર કોઈ કારમાં હતા કે કેમ? હતા તો તેમના દ્વારા કે કોઇ દ્વારા સામા ફાયરીંગ થયા હતાં? આ બાબતે પોલીસ ગુપ્ત રાહે તપાસ કરી રહી છે. સી.સી.ટી.વી.માં આવા કાંઇક દ્રશ્યો પોલીસને હાથ લાગ્યા હોવાનું જાણવા મળે છે.

યુવતીના મામલે ડખ્ખામાં ત્રીજી વખત ફાયરિંગ! પોલીસ હવે કડક બનશે?
જંગલેશ્વરની નામચીન મહિલાનો પુત્ર સંજલો તેનો દોહિત્ર સમીર ઉર્ફે મુરઘો અને સામે પેંડા ગેંગના સાગરીત પરેશ ઉર્ફે પરિયા ગઢવી ગેંગ વચ્ચે વોર ચાલી રહી છે. ગોકુલધામની યુવતીને જંગલેશ્વર ગેંગ સાથે કોન્ટ્રેક્ટ હતો જે યુવતીની છેડતી બાબતે થયેલી માથાકૂટમાં સમીર ઉર્ફે મુરઘાએ સાગરીત સાથે પુનિતનગરના પરેશ ગઢવી પર ગત તા.15 જાન્યુઆરીના ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ બન્ને ગેંગ વચ્ચે વોર વકરી હતી. બન્ને એકબીજાને ભરી પીવા મોકા શોધતા હતા. એ દરમિયાન જન્માષ્ટમી પર્વ પર પરેશ ગઢવી તથા જિજ્ઞેશ ઉર્ફે ભયલુ દિશેન રાબાએ કોઠારિયા રોડ પર નિલમ પાર્ક પાસે કરિયાણાની દુકાન ધરાવતા સમીર ઉર્ફે મુરઘાના મિત્ર શાહનવાઝ મુસ્તાક (ઉ.વ.20) ઉપર ફાયરિંગ કર્યું હતું. જેમાં બન્ને શખસોને ભક્તિનગર પોલીસે ઝડપી પાડયા હતા. પરેશ હજુ જેલમાં છે જયારે ભયલો જેલમુક્ત થતા ફરી જૂનું વેર વાળવા ગત રાત્રે હોસ્પિટલે ધસી ગયો ને ધાણીફૂટ ગોળીબાર થયા હતા.
