જલારામ બાપાની 226મી જન્મજયંતિ ઉજવણી : વિરપુરમાં ગુંજ્યો જય જલિયાણનો જયનાદ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
આજે જલારામ ભક્તોનો પ્રવાહ વિરપુર ભણી છે. જય જલિયાણનો જયનાદ ગુંજયો છે. રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં, દેશ-વિદેશમાં જલારામ બાપાની 226મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહીત ગામેગામ જય જલિયાણના જયનાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં બાપાના જીવનચરિત્રની ઝાંખી કરાવતાં ફલોટસ, વેશભૂષામાં સજ્જ બાળકો, ભાવિકો મોટી સંખ્યામાં જોડાશે. દેને કો ટુકડા ભલા, લેને કો હરી નામ સાથે જલારામ જન્મોત્સવની ઉજવણીમાં મંદિરો, સોસાયટીઓ તેમજ રઘુવંશી સંસ્થાઓ દ્વારા આયોજનો થયા છે. ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાશે.
નવસારીના સુપા ગામેથી 100 જેટલા યુવાનો જય જલારામના નાદ સાથે સાયકલ લઇને વીરપુર પહોંચ્યા

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિતે આજે બાપાની જયંતી ઉજવવા માટે યાત્રાળુઓ દેશ-વિદેશ તેમજ દૂર દૂર થી જલારામ બાપાના દર્શન કરવા માટે વીરપુર આવ્યા છે ત્યારે નવસારી જિલ્લાના સુપા નવાગામ થી 100 જેટલા યુવાનો સાયકલ લઈને 500 કિમિ જેટલું અંતર કાપીને વીરપુર આવી પહોંચ્યા હતા, જલારામ બાપા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા સાયકલ લઈને વીરપુર આવેલા યુવાનો ચાર દિવસ પહેલા નવસારી થી સાયકલ યાત્રા શરૂ કરી હતી જે આજ રોજ વીરપુર આવી પહોંચ્યા હતા,નવસારી થી 500 કિમિ જેટલું અંતર કાપીને વીરપુર આવેલા અંકુરભાઈ એ જણાવ્યું હતું કે 500 કિમિ દૂરથી 23 વર્ષ થી વીરપુર અલગ અલગ સંદેશ અને વિચારો સાથે આવીએ છીએ આ વખતે પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનના સંદેશ સાથે આવ્યા છીએ નવસારી થી વીરપુર આવ્યા ત્યારે કોઈપણ સાઇકલ સવારે પ્લાસ્ટિકની પાણીની બોટલ કે કોઈપણ જાતના પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો નથી,પૂજ્ય જલાબાપાની કૃપાથી રસ્તામાં કોઈપણ જાતની તકલીફો પડી નથી તેમજ દરરોજના 100 થી 150 કિમીનું અંતર સાયકલ કાપી અને જય જલારામના નાંદ સાથે વીરપુર પહોંચીને પૂજ્ય જલાબાપાની 226મી જન્મ જયંતી બુધવારના દિવસે ધામધૂમથી ઉજવી પૂજ્ય જલાબાપાના દર્શન કરીને પોતાના વતન નવસારી પાછા ફરસે અને ધન્યતા અનુભવશે.
વિરપુરમાં શોભાયાત્રા માટે 226 કિલો બુંદીના પ્રસાદના પેકેટ તૈયાર કરાયા

સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિને લઈને જલીયાણધામ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે જે શોભાયાત્રા વીરપુરના મીનળવાવ ચોક ખાતે થી પ્રસ્થાન થશે અને વીરપુરના રાજ માર્ગો પર નિકળશે, આ શોભાયાત્રામાં ભાવિકોને 226 કિલો બુંદીનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે, આયોજક સંજયભાઈ ડૂંગાએ જણાવ્યું હતું કે જલારામ બાપાએ 200 વર્ષ પહેલા બુંદી અને ગાંઠિયાના પ્રસાદથી સદાવ્રતની શરૂઆત કરી હતી જેમને લઈને આ વર્ષે જલાબાપાની 226મી જન્મ જયંતિ હોવાથી 226 કિલો બુંદી નો પ્રસાદ શોભાયાત્રા દરમિયાન ભાવિકોને આપવામાં આવ્યા હતા.
વિરપુર જલારામમય “ઘરે ઘરે રંગોળી”

ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં આજે સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતી ઉજવવામાં આવી રહી છે ,પૂજ્ય બાપાની જન્મ જયંતીને લઈને દર વર્ષે પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે જલા બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી ઉમટી પડ્યા હતા. પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા માટે ભાવિકો દૂરદૂર થી વાહનો મારફત તેમજ પગપાળા વીરપુર આવી પહોંચતા હોય છે. જેમાં છેલ્લા 17 વર્ષથી અવિરતપણે પૂજ્ય બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે સુરતના ગભેણી ગામેથી પગપાળા આવતો પદયાત્રીકોનો સંઘ આજે વિરપુર આવી પહોંચ્યો હતો,સુરતના ગભેણી ગામના આ પદયાત્રીઓએ વીરપુર પહોંચતા જ વીરપુરની પાવન ભૂમિ પર પૂજ્ય જલારામ બાપાની આરતી તેમજ ધૂન બોલીને પૂજ્ય જલા બાપાની પાવન ભૂમિના દર્શન કરી જલારામ બાપાને ખાસ પ્રાર્થના કરી હતી.

આ સંઘના પરેશભાઈ પટેલે તથા બીપીનભાઈ મોદીએ જણાવેલ કે 100થી વધુ લોકો જેમાં નાના બાળકો સહિત મહિલાઓ તેમજ પુરુષોનો પગપાળા સંઘ લઈને દિવાળી પહેલા સુરત ગભેણીથી નીકળ્યા હતા અને પૂજ્ય જલારામ બાપાના ધામ વીરપુર પહોંચ્યા હતા વરસાદી વાતાવરણ હોવા છતાં કોઇપણ પદયાત્રીઓને બાપાની કૃપાથી કાંઈ પણ મુશ્કેલીઓ પડી નથી, જલાબાપામાં અતૂટ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ ધરાવતા આ પદયાત્રીઓએ “જય જલારામ” ના નારા લગાવ્યા હતા.
