તો…1લી નવેમ્બરથી જાહેર વિતરણ વ્યવસ્થા ઠપ્પ: રાજ્યના બન્ને સંગઠનોએ સરકારને આખરી અલ્ટીમેટમ આપ્યું
રાજ્યના સસ્તા અનાજના વેપારીઓના બે અલગ અલગ સંગઠનો દ્વારા 20 જેટલી પડતર માંગણીઓને લઈ નવેમ્બર માસમાં જાહેર વિતરણ વ્યવસ્થા ઠપ્પ કરી દેવાની ચીમકી આપી છે ત્યારે મંગળવારે રાજકોટ જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોશીએશન દ્વારા તેમની લાંબા સમયથી પડતર માંગણીઓના નિરાકરણ માટે જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી જો માંગણીઓ નહીં સંતોષાઈ તો તા.1 નવેમ્બર 2025 થી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અળગા રહી નવેમ્બર-2025ના જથ્થાના ચલણ નહીં ભરીને અસહકાર આંદોલન કરવા ચીમકી આપી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એશોશીએશન અને ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસીએશન દ્વારા સંયુક્ત રીતે જિલ્લા પુરવઠા અધિકારી મારફતે રાજ્યના પુરવઠા મંત્રી અને નિયામક અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને આવેદનપત્ર પાઠવી અલગ અલગ 20 માંગણીઓ તાત્કાલિક અસરથી પૂર્ણ કરવા માંગ કરી હતી.જેમાં ગેરન્ટેડ કમિશન 20 હજારની બદલે 30 હજાર કરવું, અન્યાયી પરિપત્ર રદ કરવા, મિનિમમ કમિશન માટે 97 ટકા વિતરણની જોગવાઈ દૂર કરવી, ઈ-પ્રોફાઈલમાં પરવાનેદારના પરિવારના સભ્યોને સામેલ કરવા, રેશન ડીલરોની હયાતીમાં વારસાઈ દાખલ કરવાની પ્રથા પુનઃ શરૂ કરવી, ગુણવતા સભર જથ્થો ફાળવવો, મેન્યુઅલ રેકોર્ડને બદલે ડિજિટલ રેકર્ડ રાખવા, જાહેર વિતરણની સાયકલ 45 દિવસને બદલે 30 દિવસની કરવા સહિતની 20 માંગણી રજૂ કરવામાં આવી હતી.
વધુમાં રજુઆતમાં સસ્તા અનાજના વિક્રેતાઓએ રોષ સાથે જણાવ્યું હતું કે, પરવાનેદારોને પડતી મુશ્કેલી અંગે અગાઉ અવાર નવાર રજુઆત કરવામાં આવી છે છતાં પણ રાજ્યના પૂરવઠા મંત્રી અને સંબંધિત અધિકારીઓ દ્વારા અમારી માંગણીઓનો સંતોષકારક કે લેખિત જવાબ આપવામાં આવ્યો ન હોવાથી 20 માંગણીઓનો જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી અસહકાર આંદોલનચાલુ રાખી આગામી નવેમ્બર માસની પરમીટ કે, ચલણ જનરેટ નહીં કરવામાં આવે તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. રજુઆત સમયે ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના રાજ્ય મહામંત્રી હિતુભા જાડેજા, રાજકોટ જિલ્લા પ્રમુખ ભીખાલાલ પાઉં, શહેર પ્રમુખ માવજીભાઈ રાખશીયા તેમજ અગ્રણી વેપારી નેમચંદ ક્રિપલાણી સહિતના આગેવાનો સાથે રહ્યા હતા.
