રાજકોટમાં નવા વર્ષમાં 252 બાળકો જન્મ્યા: તહેવારોમાં 108 સતત દોડતી રહી, 1100થી વધુ ઇમરજન્સી કેસ
દિપાવલીના તહેવારોમાં રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગના કર્મીઓ પરિવારથી દૂર રહીને લોકોના સ્વાસ્થ્યને લઈને માનવીય અભિગમ સાથે સતત ખડે પગે ફરજ બજાવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલ, ઝનાના, પદ્મકુંવરબા હોસ્પિટલ, 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સહિતની આરોગ્ય સેવાઓ પૂર્વ તૈયારી સાથે આ દિવસો દરમ્યાન સતત કાર્યરત રહી હતી જેમાં નવા વર્ષમાં પદ્મકુંવરબા અને ઝનાના હોસ્પિટલમાં 252 બાળકો જન્મ્યા હતા.
રાજકોટની પંડિત દીનદયાળ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. મોનાલી માંકડિયાના જણાવ્યા મુજબ તા. ૨૦ થી ૨૫ દરમ્યાન ઓ.પી.ડી. માં 8815 લોકોની સારવાર અને 1897 જેટલા દાખલ થયેલા દર્દીઓને સ્વાસ્થ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. વધુમાં આ દિવસોમાં 189 મેજર અને 538 માઇનોર સર્જરી દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓની સેવા સુશ્રુષા કરી સ્વાસ્થ્ય પ્રદાન કરાયું હતું. જ્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી માતૃ અને બાળ સંભાળ લેતી ઝનાના હોસ્પિટલમાં 223 નવજાત બાળકોનું અવતરણ થયું છે, આ દિવસોમાં 421 જેટલા ઇમર્જન્સી કેસ હેન્ડલ કરવામાં આવ્યાં હોવાનું ડો. કમલ ગોસ્વામીએ જણાવ્યું હતું.
ઉપરાંત રાજકોટની પદ્મમકુંવરબા ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે તા. 20 થી 23 દરમ્યાન 18 નોર્મલ તેમજ 11 સિઝેરિયન દ્વારા કુલ ૨૯ બાળકોના જન્મ થયાનું આર.એમ.ઓ. નૂતનબેને જણાવ્યું હતું. ઉપરાંત ૫૩ ઈમરજન્સી અને ૧૪૯ ડોગ બાઈટના દર્દીઓની સારવાર પૂરી પાડવામાં આવી હતી. દિવાળીથી ભાઈબીજના દિવસોમાં 108 ની ટીમ દ્વારા 1100 થી વધુ ઇમરજન્સી કેસ હેન્ડલ કરવામાં આવ્યા હતાં. જેમાં દિવાળીના દિવસે 285, બીજા દિવસે 301, નવા વર્ષે 274 અને ભાઈબીજના દિવસે 286 કેસમાં 108 ટીમ તાત્કાલિક સારવાર પુરી પાડવામાં મદદરૂપ બની હતી.
