રાજકોટથી દુબઈની ઇન્ટરનેશનલ ફલાઇટ ઉડાન ભરશે : વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફલાઈટ શરૂ કરવા મનસુખ માંડવિયાની રજુઆત
વહેલી તકે રાજકોટથી દુબઈની ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન ભરશે તેમ દિલ્હીની ફ્લાઈટમાં આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. આ બાબતે તેમને કહ્યું હતું કે અમે એવીએશન મંત્રાલયમાં રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે રજૂઆત કરી છે.
રાજકોટ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા રાજકોટ દિલ્હી વચ્ચે શરુ થયેલી નવી ફ્લાઈટમાં યાત્રા કરી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચતાં મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપી મંત્રીનું સ્વાગત કર્યું હતું.
મંત્રી માંડવીયાએ આ તકે હર્ષની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રાજકોટ અને દિલ્હી વચ્ચે સવારે બે અને સાંજે બે એમ કુલ મળીને ચાર ફ્લાઈટની કનેક્ટિવિટી મળતા રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ અને પ્રવાસન ઉદ્યોગને મોટો લાભ થશે. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ સૌરાષ્ટ્રનું વેપાર ઉદ્યોગનું કેન્દ્ર છે. રાજકોટના વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા દેશ વિદેશના ઉદ્યોગકારોને દિલ્હીથી રાજકોટની ફ્લાઇટની વધુ સુવિધા પ્રાપ્ત થતાં ઉદ્યોગકારોને લાભ થશે. સાથોસાથ રાજકોટ સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં હોવાથી યાત્રાધામ સોમનાથ, દ્વારિકા સહિતના ધાર્મિક સ્થળો તેમજ પોરબંદર આવતા ઉત્તર ભારતના યાત્રિકોની સુખાકારીમાં વધારો થતા પ્રવાસન ક્ષેત્રે પણ મોટો લાભ મળશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો :દિવાળી રજામાં સહેલાણીઓ માટે ‘સૌરાષ્ટ્ર’રહ્યું ફેવરિટ: ખોડલઘામથી દ્વારિકા,સોમનાથ-સાસણમાં ચિક્કાર ભીડ
આ તકે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે ભારત સરકારનો આભાર માનતાં જણાવ્યું હતું કે, લાભ પાંચમના દિવસે રાજકોટ દિલ્હીને જોડતી નવી ચાર ફ્લાઈટ મળતાં રાજકોટ સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્ર નવી ઊંચાઈઓ સર કરશે.
આ તકે અગ્રણીઓ માધવભાઈ દવે, વીરેન્દ્ર સિંહ ઝાલા, હંસરાજભાઇ ગજેરા, તેજસભાઈ ભટ્ટી, અમૃતભાઈ ગઢિયા,નૌતમભાઈ બારસીયા સહિતના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતાં.
