રાજકોટ જિલ્લાના જનસેવા કેન્દ્રોના ઓપરેટરોની દિવાળી બગડી: સરકારના આદેશનો કોન્ટ્રાકટરે કર્યો ઉલાળિયો
દિવાળીના તહેવારને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા તમામ કર્મચારીઓના પગાર વહેલા કર્યા છે, સાથેજ સરકારે સરકારી કચેરીઓમાં કામ કરતા આઉટસોર્સ કર્મચારીઓને પણ ઓક્ટોબર માસમાં આખા મહિનાની હાજરી ગણી વહેલો પગાર કરવા આદેશ આપ્યો હતો. જો કે, આ આદેશ રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર હેઠળ કોન્ટ્રાકટ ધરાવતા કોન્ટ્રાક્ટરને લાગુ પડતો ન હોય તેમ જનસેવા કેન્દ્ર અને ઈ-ધરામાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરોને ચાલુ માસનો પગાર નહીં ચુકવાતા ઓપરેટરોની દિવાળી બગડી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકારે દિવાળી પર્વને પગલે ઓક્ટોબર માસમાં તમામ સરકારી કર્મચારીઓના પગાર વહેલા કરી દીધા છે. આ ઉપરાંતસરકારના વિવિધ વિભાગમાં આઉટસોર્સીંગથી ફરજ બજાવતા કર્મચારીઓ પણ દિવાળીનો તહેવાર આનંદ ઉલ્લાસથી ઉજવી શકે તે માટે ઓક્ટોબર માસની પુરી હાજરી ગણી તમામ કર્મચારીઓને પૂરો પગાર ચૂકવી આપવા આદેશ આપ્યો હતો. જો કે, રાજકોટ જિલ્લા કલેકટર, મામલતદાર કચેરી તેમજ તમામ ઈ-ધરા કેન્દ્રનો કોન્ટ્રાકટ ધરાવતા કોન્ટ્રાકટર દ્વારા ઓક્ટોબર માસનો પગાર નહીં ચુકવવામાં આવતા નાના કર્મચારીઓની દિવાળી બગડી છે. નોંધનીય છે કે, સત દેવિદાસ નામની એજન્સીના કોન્ટ્રાકટર દ્વારા અગાઉનો પણ બે માસનો પગાર ચુકવાયો ન હોય નાના કર્મચારીઓની હાલત કફોડી બની છે.
