રાજકોટમાં વધુ એક હત્યા : બીમાર પત્નીથી કંટાળી ઠંડા કલેજે ગળું દબાવી મોતને ઘાટ ઉતારી પતિ સામેથી પોલીસ સ્ટેશનમાં થયો હાજર
કહેવાય છે કે પતિ-પત્નીનો સબંધ 7 જન્મો સુધીનો હોય છે ત્યારે રાજકોટમાં એક ચકચારી ઘટના સામે આવી છે. માનસિક રીતે બીમાર પત્નીને પતિએ ગળું દબાવી મારી નાખતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી વિગતો અનુસાર આ ઘટના રાજકોટના કુવાડવા રોડ પાસે આવેલી નરસિંહ મેહતા ટાઉનશિપની છે જય 65 વર્ષીય વૃદ્ધાની બીમારીથી કંટાળીને પતિએ ઠંડા કાળજે ગળું દબાવી મોતને ઘાટ ઉતારી પોલીસ મથકે પહોચી કહ્યું કે “સાહેબ મેં મારી પત્નીને મારી નાખી છે” મૃતકના પહેલા પતિનું અવસાન થઈ જતાં તેણી 24 વર્ષથી આરોપી સાથે લગ્ન કરીને રહેતી હતી.બીજી બાજુ મૃતકના બહેને પોલીસ ફરિયાદમાં આરોપી બનેવી તેની બહેનને બદનામ કરવા ખોટી રીતે માનસિક બીમાર હોય તેવું લોકોને કહેતા ફરતા સહિતના આરોપ મુક્યા હતા.

કુવાડવા રોડ નરસિંહ મહેતા ટાઉનશિપમાં રહેતા 65 વર્ષીય મંજુબેન જયેન્દ્રભાઈ ધકાણને વહેલી સવારે તેના જ પતિ જયેન્દ્રએ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. બાદમાં આરોપી બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી પોતે પત્નીની હત્યા કરી હોવાનું કહેતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બનાવ અંગે મોરબી રોડ રાજનગર સોસાયટીમાં રહેતા મૃતકના નાના બહેન શારદાબેન મોહનભાઈ ભેસણીયાએ ( ઉંમર 60) આરોપી બનેવી જયેન્દ્ર બચુભાઈ ધકાણ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના બહેન મંજુના લગ્ન 30 વર્ષ પૂર્વે બિલખા રહેતા ગાંડુભાઈ સાથે થયા હતા દરમિયાન તેણીના પતિનું અવસાન થતા જયેન્દ્ર સાથે આંખ મળી જતાં 24 વર્ષથી તે તેની સાથે લગ્ન કરી ને રહે છે. મંજુબેન ચાર મહિનથી બીમાર હોય જે અંગે જાણ થતાં શારદાબેન તેમની ખબર કાઢવા માટે ગયા હતા ત્યારે તેઓ બિલકુલ સ્વસ્થ હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન વાતચીતમાં મંજુબેન કહ્યું હતું કે, ” જયેન્દ્ર છેલ્લા આઠ માસથી મને બહુ ત્રાસ આપે છે અવાર-નવાર મારી સાથે મારપીટ કરે છે. મને નાની મોટી બીમારી છે તો તે બધાને એવું કહેતો ફરે છે કે હું માનસીક બીમાર છું ખરેખર તો તેને મારો ઇલાજ કરવો નથી હું તેને બોજરૂપ લગાવ માંડી છું ”
આ પણ વાંચો :રાજકોટ સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં વેન્ટિલેટરમાં આગ લાગતાં વૃદ્ધ દાઝ્યા : માંગરોળના દર્દીએ બુમાબુમ કરતા સ્ટાફ દોડ્યો
જેથી શારદાબેન પતિ વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું જો કે સંસાર બગાડવો નથી તેવું કહીને મંજુબેને વાત ટાળી હતી. પડોશમાં રહેતા લક્ષ્મણભાઈ પણ મંજુબેનને માનસિક રોગની હોસ્પિટલમાં લઈ ગયા હતા પણ તબીબે તેઓ બિલકુલ સ્વસ્થ છે તેવું કહ્યું હતું. આ અંગે બનેવી સાથે વાત કરતા તે વારંવાર જવાબ આપવાનું ટાળતા હતા.વધુમાં શારદાબેનને તેમની બહેનના પડોશીએ ઘટના અંગે જાણ કરતા તેઓ દોડી ગયા હતા ત્યાં પહોંચતા પોલીસે દ્વારા જાણવા મળેલ કે તેના બનેવી જ બહેનની હત્યા કરી દીધેલ છે.
આ પણ વાંચો :પરેશ રાવલની ફિલ્મ The TAJ Storyનું ટ્રેલર રીલીઝ : શું છે તાજમહેલના 22 બંધ રૂમ પાછળનું રહસ્ય? અનેક રાઝ ખુલશે
ઘટના અંગે પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, પોતે રીક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા એક વર્ષથી પત્ની બીમાર રહેતી હોય ત્યારે કંટાળીને તેની હત્યા કરી દીધી હતી. જો કે બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીએ અચાનક પોલીસ સ્ટેશને આવી હત્યાની કબૂલાત કરતા એક ક્ષણ તો સ્ટાફ પણ મૂંઝાઈ ગયો
બીડિવિઝન પોલીસ મથકમાં વહેલી સવારે હાજર પી.એસ.ઓ. નીતિનદાન ગઢવી પાસે આવી અચાનક આરોપીએ કહ્યું કે ” મેં મારી પત્નીની હત્યા કરી નાખી છે” વાત સાંભળતા એક ક્ષણ તો પોલીસ અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયાં કે વૃધ્ધ જેવો દેખાતો શખસ સાચું બોલી રહ્યો છે કે કોઈ માનસિક બીમાર છે ? જો કે આરોપીની કબૂલાત ગંભીર હોય જેથી પોલીસ સ્ટાફે ઘટના સ્થળે જઈને તપાસ કરતાં બનાવ સાચું હોવાનું સામે આવ્યું હતું તપાસમાં આરોપીએ વહેલી સવારે 6 થી 6.30 વચ્ચેના સમયગાળામાં પત્નીનું ગળું દબાવી દીધું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ તે સીધો પોલીસ મથકે પહોંચ્યો હતો.
