ખરાબામાં 35 વર્ષ ખેતી કરી, હવે જમીન આપો! રાજકોટ કલેકટરે ઓમપ્રકાશે અપીલ ફગાવી, વાંચો સમગ્ર મામલો
પહેલા સરકારી જમીનમાં દબાણ કરવું…. બાદમાં દબાણ કેસ કરવામાં આવે તો પેશકદમી ગણીને દબાણ રેગ્યુલાઈઝડ કરવા અરજી કરી સરકારી જમીન ઉપર કબજા કરવાની લાંબા સમયથી ચાલતી મોડસઓપરેન્ડીને બ્રેક લાગે તેવા મહત્વપૂર્ણ કેસમાં રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશે પડધરી તાલુકાના ઢોકળીયા ગામે છેલ્લા 35 વર્ષથી સરકારી ખરાબામાં કબ્જો કરી ખેતી કરતા આસામીએ દબાણ રેગ્યુલાઇઝડ કરવા કરેલી અપીલને ફગાવી દઈ કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીન ખુલ્લી કરવા મામલતદાર અને પ્રાંત અધિકારી ગ્રામ્યના હુકમને યોગ્ય ઠેરવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ પડધરી તાલુકાના ઢોકળીયા ગામના જુના રેવન્યુ સર્વે નંબર 177 પૈકી 16 અને નવા રેવન્યુ સર્વે નંબર 519ની સરકારી ખરાબાની ચાર એકર જમીન ઉપર રામજીભાઈ જેઠાભાઈ મુછડીયા દ્વારા દબાણ કરી ખેતી કરવામાં આવતી હોવાથી મામલતદાર પડધરી દ્વારા વર્ષ 2023માં દબાણ કેસ ચલાવી રૂપિયા 7 લાખથી વધુનો દંડ ફટકારતો હુકમ કરતા દબાણકાર દ્વારા પેશકદમી કેસમાં પડધરી મામલતદાર, પ્રાંત બાદ કલેકટરનો કડક ચુકાદો રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરતા પ્રાંત અધિકારીએ પણ મામલતદાર પડધરીના હુકમને યોગ્ય ગણી અપીલ અરજી ના મંજુર કરી હતી.
આ પણ વાંચો :રાજકોટના GMSCLના ગોડાઉનમાં લાખોની સરકારી દવા વરસાદમાં ભીંજાઇ જવાનો મામલો : 6 કર્મચારીઓ ઘરભેગા
જે બાદ ઢોકળીયા ગામના રહેવાસી રામજીભાઈ જેઠાભાઈ મુછડીયાએ રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ અપીલ કરી તેઓ છેલ્લા 35 વર્ષથી સરકારી ખરાબાની જમીન ઉપર ખેતી કરતા હોય જમીન રેગ્યુલાઈઝડ કરવા તેમજ 50 વર્ષ માટે જમીન ભાડાપટ્ટે આપવા અપીલ કરી દાદ માંગી હતી. જો કે, રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે અપીલ કેસ ચલાવી ખેતવિહોણા ખેતમજુર હોવા સહિતની તમામ દલીલો ફગાવી દઈ પડધરી મામલતદાર અને પ્રાંત રાજકોટ ગ્રામ્યના હુકમને યોગ્ય ઠેરવી સરકારી જમીન ખુલ્લી કરવા આદેશ કર્યો હતો.
