રાજકોટના GMSCLના ગોડાઉનમાં લાખોની સરકારી દવા વરસાદમાં ભીંજાઇ જવાનો મામલો : 6 કર્મચારીઓ ઘરભેગા
ગત માસમાં રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર આવેલ ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડના વેર હાઉસમાં લાખો રૂપિયાની સરકારી દવાનો જથ્થો પલળી જવાના કેસમાં GMSCLના એમડીએ તાબડતોબ ગાંધીનગરથી તપાસ માટે ટીમોને દોડાવ્યા બાદ બેદરકારી દાખવનાર હંગામી સ્ટોર મેનેજરને સસ્પેન્ડ કરી દઈ ખાનગી એજન્સીના સિનિયર ફાર્માસીસ્ટ, પેકર્સ, પ્યુન અને ફાઈનાન્સના એક કર્મચારીને ઘરભેગા કરી દેવા હુકમ કર્યો છે. આ હુકમને પગલે ખાનગી એજન્સીના અન્ય ત્રણ કર્મચારીઓએ રાજીનામાં ઘરી દીધાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ સપ્ટેમ્બર-2025માં રાજકોટના મોરબી રોડ ઓવરબ્રિજ પાસે આવેલ ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડના વેર હાઉસમાં સ્થાનિક સ્ટાફની બેદરકારીને કારણે સતત બીજા વર્ષે લાખો રૂપિયાની દવાઓનો જથ્થો પલળી જતા દેકારો બોલી ગયો હતો. નોંધનીય છે કે, ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડના વેર હાઉસમાંથી રાજકોટ
સિવિલ હોસ્પિટલ, મોરબી અને જૂનાગઢ જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોને દવાઓનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ અગાઉ વર્ષ 2024માં પણ મોટા પ્રમાણમાં દવાઓ પલળી ગઈ હતી. આ વર્ષ પણ દવાઓનો જથ્થો પલળી જતા GMSCLના એમડી દિગંત બ્રહ્મભટ્ટે ગાંધીનગરથી બે અધિકારીઓની ટીમને તાત્કાલિક તપાસ માટે દોડાવી હતી.
બીજી તરફ રાજકોટ ખાતે તપાસ માટે આવેલ GMSCLના જનરલ મનેજર પી.વી.ગોંડલીયા અને ડેપ્યુટી જનરલ મેનેજર દ્વારા ધગધગતો રિપોર્ટ કરવામાં આવતા એમડી દિગંત બ્રહ્મભટ્ટે રાજકોટ GMSCLના સ્ટોર મેનેજરને સસ્પેન્ડ કરવા હુકમ કરી એમ.જે. નામના કોન્ટ્રાકટરના માણસ એવા એક સિનિયર ફાર્માસીસ્ટ, ત્રણ પેકર્સ, એક પ્યુન અને ફાયનાન્સની કામગીરી કરતા એક કર્મચારીને છુટા કરવા આદેશ કર્યો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ છ કર્મચારીઓ સામે પગલાં લેવાયા બાદ અન્ય ત્રણ ખાનગી માણસોએ રાજીનામા ધરી દેતા દવા પલળી જવા પ્રકરણમાં 10 ઘરભેગા થયા છે.
