રાજકોટમાં વધુ એક મહિલા પોલીસ કર્મચારીનો આપઘાત! પતિ-પત્ની વચ્ચેની બોલાચાલી બાદ ઝેરી દવા ગટગટાવી: સારવારમાં મોત
રાજકોટ શહેરમાં વધુ એક મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કરી લેતાં સમગ્ર પોલીસ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજીડેમ પોલીસ મથકમાં ફરજ બજાવતાં 28વર્ષીય હરસિદ્ધિબેન હર્ષભાઈ ભારડિયાએ એક મહિના પૂર્વે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તબિયત લથડતાં તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યાં હતાં, પરંતુ મંગળવારે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમનો 4 વર્ષનો પુત્ર માતા વિહોણો બનતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
વિગતો અનુસાર, ગત 8 સપ્ટેમ્બરના રોજ આજીડેમ પોલીસ મથકમાં ફરજ બજાવતાં હરસિદ્ધિબેન હર્ષભાઈ ભારડિયા (ઉં. 28) એ કોઠારિયા સોલવન્ટ ખાતે આવેલા પોતાના ભાડાના મકાનમાં ઘઉંમાં નાખવાનો ઝેરી પાઉડર પી લીધો હતો. બનાવની જાણ થતાં તેમના પરિવારે તેમને તાત્કાલિક રાજનગર ચોક નજીક આવેલી સમ્યક હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી. જાડેજા સહિતના સાથી કર્મચારીઓ હોસ્પિટલે પહોંચી ગયા હતા. હરસિદ્ધિબેન આઈસીયુમાં સારવાર હેઠળ હતાં, પરંતુ ત્રણ દિવસ પૂર્વે તેમની તબિયત વધુ લથડતાં તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં મંગળવારે તેમનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો :જીવલેણ કફ સિરપ મામલે MP પોલીસની મોટી કાર્યવાહી : કંપનીના માલિકની ધરપકડ, SITએ જાહેર કર્યું’તું ઈનામ
આજીડેમ પોલીસ મથકના પીએસઆઈ એ.આર. રાઠોડની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે હરસિદ્ધિબેનના પતિ હર્ષ હાલ કોઈ કામધંધો કરતા ન હતા, જેને કારણે બંને વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી. આ બાબતથી કંટાળીને હરસિદ્ધિબેને આપઘાતનું પગલું ભર્યું હતું. હરસિદ્ધિબેન વર્ષ 2023માં પોલીસ ફોર્સમાં જોડાયાં હતાં અને તેઓ મૂળ જૂનાગઢના વતની હતાં. સંતાનમાં એક 4 વર્ષનો પુત્ર છે. આ ઘટનાથી તેમના પરિવાર તથા પોલીસ સ્ટાફમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો :રાજકોટના રેસકોર્સ રિંગરોડ ઉપર 5 દિવસ ‘દિવાળી કાર્નિવલ’ : ધનતેરસથી દિવાળી સુધી અનેક કાર્યક્રમ યોજાશે, તડામાર તૈયારી શરૂ
પોલીસ પરિવારે સાથી કર્મચારીની જિંદગી બચાવવા લાખો રૂપિયાની સહાય કરી
હરસિદ્ધિબેને ઝેરી દવા પી લીધા બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. તેઓ લગભગ 26 દિવસ સુધી આઈસીયુમાં રહ્યાં હતાં. આ દરમિયાન તેમના પરિવારને આર્થિક સહાય કરવા માટે રાજકોટ પોલીસના કર્મચારીઓએ એક સંદેશો વાયરલ કર્યો હતો, જેના દ્વારા પોલીસ કર્મચારીઓએ આશરે 4.50 લાખ રૂપિયાનો હોસ્પિટલ ખર્ચ ઉપાડયો હતો. જોકે, આખરે તેમની તબિયત વધુ નાજુક થતાં અમદાવાદ ખસેડવામાં આવ્યાં, જયાં તેઓએ દમ તોડી દીધો હતો.
