દિવાળી પૂર્વે ITનાં દરોડાની આતશબાજી: રિયલ એસ્ટેટ અને 4 ડોક્ટરોને ત્યાં સર્ચ ઓપરેશન, તપાસમાં સુરત,અમદાવાદ અને રાજકોટની ટીમ જોડાઈ
દિવાળી અગાઉ ઇન્કમટેક્સ વિભાગે કરચોરો પર દરોડાની આતશબાજી શરૂ કરી છે.મોરબી અને રાજકોટમાં સીરામીક ગ્રુપ પર દરોડાની કામગીરી આટોપી તુરંત જ મોડાસામાં 22 જેટલા રિઅલ એસ્ટેટનાં ધંધાર્થીઓ,ડોક્ટર અને ઉદ્યોગપતિઓ પર મંગળવારે સવારે સામૂહિક દરોડા પાડ્યા હતા.
મહેસાણા ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટીગેશન વિંગના સર્ચ ઓપરેશનમાં રાજકોટઅમદાવાદ અને સુરતની ટીમ જોડાઈ છે. સૂત્રોમાંથી મળતી વિગત મુજબ અરવલ્લીના મોડાસાના ગઈકાલે વહેલી સવારથી આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી. જેમાં જમીનના મોટા ધંધાર્થી સલીમ દાદુ, ગાયનેક ડોક્ટર રવિ પ્રજાપતિ સહિત 22 જેટલા સ્થળો પર દરોડા પડ્યા હતા.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ડો. રવિ પ્રજાપતિ, ડોક્ટર મુસ્તાક હુસૈન ખલક,ડો.ગુલામનબી વ્હોરા,ડો.જમીલ અહેમદ આ બધાં તબીબોએ સલીમ દાદુ પાસેથી જમીન ખરીદી કરોડોનું રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :રાજકોટમાં રસ્તા રિપેરિંગનું કામ ઠપ્પઃ આજથી શરૂ થવાનું હતું, ઝરમરિયા વરસાદને કારણે પેચવર્ક સહિતની કામગીરી પણ બંધ
આંતરિક સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર, મોડાસામાં તબીબી પ્રેક્ટિસ કરતા ગાયનેક ડોક્ટર દ્વારા જમીનમાં મોટું રોકાણ કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું અને આ તબીબ દ્વારા આર્થિક વ્યવહારો તેમના કોઈ સંબંધીના નામે કરવામાં આવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં મોટા વ્યવહારો મળ્યા ન હતા. જ્યારે બપોર બાદ બિનહિસાબી વ્યવહારોનો મોટો દલ્લો મળી આવ્યો છે.હજુ પણ આખો અઠવાડિયું દરોડાની કાર્યવાહી ચાલશે જેમાં કરોડોની કર ચોરી બહાર આવે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.
