રાજકોટના શાપરમાં 5 વર્ષની બાળકીને કૂતરાએ ગળાના ભાગે બચકું ભરી લેતા નીપજ્યું મોત, પરિવારમાં શોક
શહેરના ચાવડે આવેલા શાપર વેરાવળમાં એક કરૂણ ઘટના બની હતી.અહીં મૂળ મધ્યપ્રદેશની અને ચાર દિવસ પૂર્વે જ કાકાના ઘરે રોકવા આવેલી 5 વર્ષની બાળકીને કૂતરાએ ગળાના ભાગે બચકું ભરી લેતા તેનું મોત નિપજ્યું છે.શ્રમિક પરિવાર હરરોજ હુમલાખોર કુતરાને રોટલી આપતું હોય ત્યારે તેણે જ પરિવારની દીકરી છીનવી લેતા ઘેરો શોક છવાઈ જવા પામ્યો હતો.
મળતી માહિતી મુજબ, શાપર વેરાવળ ભૂમિગેટ પાસે આવેલા ગોલ્ડન સ્ટાર કંપનીમાં રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઈ વીણામાના મધ્યપ્રદેશ રહેતા ભાઈ અંબુભાઈની દીકરી વિરલ (ઉંમર 5) ચાર દિવસ પૂર્વે શાપર કાકાના ઘરે રોકાવા આવી હતી. દરમિયાન સોમવારે સવારે 8 વાગ્યા આસપાસ વિરલ સહિતના કેટલાક બાળકો કારખાના પાસે રમી રહ્યો હતો ત્યારે ચડી આવેલ રખડતાં કૂતરાએ વિરલને પાછળથી ડોકના ભાગે બચકું ભરી લીધું હતું. જે બાદ બાળકોએ દેકારો કરતાં રમેશભાઈ તેના મોટા ભાઈ મુકેશભાઈ દોડી આવતા કુતરુ ત્યાંથી ભાગી ગયું હતું.
બાળકીને ગળાના ભાગે ઊંડો દાંત બેસી ગયો હોય અને ખૂબ લોહી વહેતું હોય જેથી તેને તુરંત શાપર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડતાં સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બાળકીના કાકા રમેશભાઈએ જણાવ્યું હતું કે, જે કૂતરાએ બાળકી ઉપર હુમલો કર્યો તે કારખાના પાસે જ બેસી રેહતું તેઓ તેને રોટલી પણ ખવડવા અહીં રહેતા બાળકો પણ કૂતરા સાથે રમતા હોય ત્યારે આવી ઘટના બનશે તેવું વિચાર્યું પણ ન હતું. મૃતક વિરલ બે બહેનમાં મોટી હતી. ઘટનાને લઈને શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
