પેટ્રોલ પંપ પાસે પાર્ક કરાયેલા ટ્રકમાંથી મળ્યો 26 લાખનો દારૂ : રાજકોટના ચાલકની ધરપકડ,37 લાખનો મુદ્દામાલ કબજે
તહેવારો પર દારૂની રેલમછેલ કરવા માટે બૂટલેગરો અધીરા બની ગયા હોય તેવી રીતે નાના-મોટા વાહનોમાં છુપાવીને દારૂ ઘૂસાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય પોલીસ તેમના ઈરાદા ઉપર પાણી ફેરવી રહી છે. આવો જ દારૂનો એક મોટો જથ્થો ગોવાથી ભરાઈને નીકળ્યા બાદ રાજકોટની ભાગોળે આજી ડેમ ચોકડી નજીક એક પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલો પડયો હોવાની બાતમી મળતા જ ઝોન-1 LCBની ટીમે ત્રાટકીને 26 લાખના દારૂ સાથે રાજકોટના ચાલકની ધરપકડ કરી હતી.

ઝોન-1 LCBના PSI બી.વી.ચુડાસમા, ASI મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ્ટેબલ રવિરાજ પટગીર સહિતની ટીમે સ્વાતિ પાર્ક પાસે સ્વસ્તિક ચોક નજીક સ્વસ્તિક એચ.પી. પેટ્રોલપંપની દિવાલ પાસે પાર્ક કરાયેલા ટ્રકની તલાશી લેતાં તેમાંથી પતરાના 112 બેરલ મળી આવ્યા હતા. બેરલની ચકાસણી કરવામાં આવતાં તેમાંથી બેચ નંબર વગરના 180 એમએલના ગોવાના 13440 નંગ ચપલા મળી આવતાં ટ્રકના ચાલક ભાવિન પ્રકાશભાઈ અગ્રાવત (રહે.પુષ્કરધામ મેઈન રોડ-રાજકોટ, મુળ સુરત)ને પકડી પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :શું રાજકોટમાં સર્કલો પર પોલીસ હોતી જ નથી? ટ્રાફિક સિગ્નલો તોડનારાઓને જાણે ડર જ નથી

ભાવિનની પૂછપરછમાં તેણે કહ્યું હતું કે દારૂનો આ જથ્થો તેને ગોવાથી બેરલમાં છુપાવીને અપાયો હતો. જો કે તેને ખ્યાલ ન્હોતો કે બેરલમાં દારૂ ભરેલો છે! આ દારૂ ભૂજ પહોંચાડવાનો હોવાનું રટણ તેણે કર્યું હતું. પોલીસે દારૂ, ટ્રક સહિત કુલ 37 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂ મોકલનાર તેમજ મંગાવનારની શોધખોળ આદરી હતી.
